પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

20

મૂઠીભર પરમારોએ મૂળીમાં આશરો આપ્યો. પછી તો સૂમરાઓની તલવારો સાથે જત અને પરમારની તલવારો તાળી દેતી દેતી લોહીને રંગે હોરી ખેલી. મુસલમાનની દીકરીને માટે રંગભીના ક્ષત્રિયો કપાયા : સેંકડો પરમારણોના કસૂંબલ ચૂડલા ઊતર્યા. સંધ્યાની રાતી છાયા માંડવના ડુંગર ઉપર નીતરતી હતી. યુદ્ધના નાદ શમી ગયા હતા : ડુંગર પર બે યોદ્ધા પડખે પડખે સૂતા સૂતા છેલ્લી સલામો દેતા હતા : એક જત અને બીજો પરમાર : એક મુસ્લિમ ને બીજો હિંદુ : બેઉનાં શરીરમાંથી લોહીની ધારા પડીને ધરતી પર રેલાવા લાગી. છેલ્લી ઘડીએ એ બેહોશ મુસલમાનને ભાન થયું કે હમણાં મારા લોહીની ધાર પરમારના લોહીની ધાર સાથે ભળશે અને છેલ્લી ઘડીએ આ પાક ક્ષત્રિય નાપાક બની અસદ્દગતિ પામશે. હું કૃતઘ્ન બનીશ ? જખ્મોમાં વેતરાઈ ગયેલો જત એ લોહીનો સંગમ અટકાવવા માટે પોતાની કમજોર ભુજાને ભોંય પર પસારી પોતાના લોહી આડી ધૂળની પાળ બાંધીને એ પ્રવાહ બીજી બાજુ વાળવા લાગ્યો. ત્યાં તો છેવટના શ્વાસ ઘૂંટતો પરમાર પોતાનું તમામ જોર સમેટીને પોકારી ઊઠ્યો :

ઈસા સુણ, આસો કહે, મરતાં પાળ મ બાંધ,
જત પરમારાં એક જો, રાંધ્યો ફરી મ રાંધ.

વીંખી નાખ, એ ઈસા ! પાળ વીંખી નાખ. જિંદગીની બાંધેલ દોસ્તી ઉપર મરણની અમર મહોર અંકાવા દે : જત અને પરમાર તો એકલોહિયા બન્યા. એ મિલન તો રંધાઈ ગયું. હવે ફરી વાર એને ન રાંધતો : પાળ તૂટી. લોહી ભેટ્યાં, સદાને માટે જત ને પરમાર 'લોહીભાઈ' કહેવાયા. 'કાઠિયાવાડ સર્વસંગ્રહ'નો કર્તા વૉટસન તો એટલે સુધી કહે છે કે જત પરમારોનું એ લોહીઆલિંગન આંતરલગ્નો રૂપે પણ અમર થયું છે.

મેર-નાઘેારી

આ બનાવ જો એકલવાયો બનીને જ ઇતિહાસના પાનામાં પડ્યો રહ્યો હોત, તો તેનો મહિમા બહુ ન ગણાત. પણ સોરઠી સંસ્કારે અને લોકજીવને તો એ બનાવને ઝીલ્યો, ઝીલીને અંતરમાં ઉતાર્યો.