પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
23

દિલાવર સંસ્કાર [પ્રવેશક ]

અશુદ્ધ રેવે, ખાય અમ્મખ, નાય જલમાં હુઈ નગો;
દુલ્લા મહમ્મદ પીર દરિયાઈ ભીર કર બેડો ભગો.

[જે નહિ હિન્દુ કે નહિ મુસલમાન, જે નગ્ન બનીને નહાય, શુચિ ન જાળવે, અભક્ષ્યનો આહાર કરે, એ કયા વર્ણનો કહેવાય ? વળી કવિ કહે છે કે, તે નથી લેતો પરમનું નામ કે નથી પુકારતો અલ્લાહને; એ નથી જતો કાશીએ કે મક્કે; નથી કરતો ઉપવાસ કે રોજા : બારે પંથની બહાર પડેલો છે.]

ઇદ કા નાહીં દીપ ઓછવ, ગામદેવાં નહ ગણે,
કુરાન ગીતા નહિ ખટક્રમ, બહ્મવાણી નહિ ભણે,
ચલ હોઈ થડકો નહિ નક્કો દોહી રસ્તેથી દગો,
દુલ્લા મહમ્મદ પીર દરિયાઈ ભીર કર બેડી ભગો.

આપણા ઉપયોગ પૂરતું તો ગોરાનું આ રમૂજી ચિત્ર ગૌણ છે. આપણે તો આ એક ચારણના પંથચુસ્ત પ્રાણમાં રહેતી બે મહાન ધર્મોની અણસમજુ છતાં રક્તગત સમદૃષ્ટિ જોઈ લેવાની છે.

વાછરા ડાડા

પોરબંદર પંથકમાં ગામડે ગામડે પીપળાના ઝાડ તળે દેવસ્થાનો જોયાં. બીજી કશી મૂર્તિ નહિ, પથ્થરમાંથી કંડારેલા ત્રણ ત્રણ ઘોડા : સુંદર આકૃતિઓ (બરડાના મીણ સરીખા મુલાયમ પથ્થર ઉપર ગામડિયો શિલ્પી મનમાની મૂર્તિ કંડારી શકે છે) : ગામ બહારથી ચાલ્યો આવતો ચાહે તે ઘોડેસવાર, રાય હો કે રંક, એ દેવસ્થાનની સમીપે ઊતરી પડે, અને એટલું અંતર પગપાળો ચાલે. એ થાનક વાછરા ડાડાનું કહેવાય છે. એના ભૂવા રબારી : એના ભક્તો હિન્દુ : ગાયોના એ પરમ રક્ષણહાર : એની માનતા માન્યે હડકાયાં કૂતરાંનો કરડ હાનિ ન કરે : ડાડા ઉપર લોકોને અનહદ આસ્થા : એ કોણ હતા ? એ હતા એક ક્ષત્રિય. મહુવા પાસે દુંદાસ ગામના એ વતની હતા. વાછરા (વત્સરાજ) સોલંકી એનું નામ. ચોરીમાં પરણતાં પરણતાં રજપૂતે ધા સાંભળી –

પોપટ પારેવાં તણી રાણા રમતું મેલ્ય,
ધણ આવ્યુંં ધણસેર, વેગડ નાવી વાછરા !