પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર્ : ૩

26

ફર્યો. લોકગીતોમાં પણ એક એવી ઘટના ગવાય છે કે :

સોનલ રમતી રે ગઢડાને ગોખે જો,
ગઢડાને ગોખે જો;
રમતાં ઝલાણી સોનલ ગરાસણી.

પરંતુ એ બધાં તો ધર્મઝનૂનનાં દૃષ્ટાંતો નહીં. પણ માનવસહજ કામાંધતાના કિસ્સાઓ. એ કાંઈ પયગમ્બરનું પ્રબોધેલું પશુબળ નથી. ઉપરાંત એ સોરઠી વીરાંગનાઓની મર્દાનગીની સાહેદીઓ છે. જાહલે ચાતુરી વાપરી છ મહિનાની અવધિ માગી. જીભના માનેલ માડી જાયા નવઘણને નવ લાખ ઘોડે નોતરીને રંગીલા સૂમરાને લોહીના રંગે રમાડ્યો. સિંહણરૂપધારિણી જીવણાં આઈએ તો થાપો નાખીને સરધારના શેખનાં આંતરડાં ખેંચી કાઢ્યાં તેનો ઈતિહાસ આ દોહો કહે છે:

બાઈ થારો બેાકડો થાનક દેતો ઠેક,
રસધારારો શેખ, ઝોપે લીધો જીવણી !

ને પરપુરુષનો અંગસ્પર્શ પણ અસહ્ય માનનારી એ ચારણી ચંડી પોતે પણ રસધારના ગઢની રાંગમાં સમાણી. સમાતાં સમાતાં એની ચૂંદડીનો જે છેડો બહાર રહી ગયો હતો તે આજ પૂજાતો હોવાનું કહેવાય છે. ભીમડાદને સીમાડે ઇશ્ક કરવા આવનારા એ છેલબટાઉ ખોખરાની મસ્ત છાતીમાં પેલી આણાત કાઠિયાણીની તાતી કટાર કેટલી ઊંડી બેઠી હતી ! તે દિવસનો આથમતો સૂરજદેવ પોતાની એ વહાલી દીકરીના શૌર્યનો સાક્ષી બનીને આભને આથમણે કાંઠે થંભ્યો હશે અને ગઢડાને ગોખે રમતાં રમતાં ઝલાયેલી એ ગરાસણીને છોડાવવા –

આડો આવ્યો રે સોનલ દાદાનો દેશ જો,
દાદાનો દેશ જો;
સોનલે જાણ્યું જે દાદા છોડાવશે.
દાદે દીધાં રે સોનલ ધોળુડાં ધણ જો,
ધોળુડાં ધણ જો;
તોય ન છૂટી સોનલ ગરાસણી.