પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઘોડી ને ઘોડેસવાર

વારણાં લેવા માંડી. સાત-સાત થર બાંધીને કાળાંઘોર વાદળાં આસમાનમાં મંડાઈ ગયાં.

પછી તો, વાંદળાંનાં હૈયાંમાં વિજોગની કાળી બળતરા સળગતી હોય તેવી વીજળી આકાશનાં કાળજા ચીરી ચીરીને ભડભડાટ નીકળવા લાગી. કોણ જાણે કેટલાયે આઘેરા સાગરને કાંઠે દિલડાંનાં સંગી બેઠાં હશે, તેને સંભારી સંભારીને વિજોગી વાદળાંઓ મનમાં મનમાં ધીરું ધીરું રેાવા માંડ્યાં. પાતાની સાંકળ (ડોક)ના ત્રણ-ત્રણ કટકા કરીને મોરલા 'કે હૂ...ક! કે હુ...ક !' શબ્દ ગેહકાટ કરવા મંડ્યા; ઢેલડીઓ 'ઢેકૂક !... ઢેકૂક!' કરતી સ્વામીનાથને વીંટળાવા લાગી. વેલડીઓ ઝાડને બાથ ભરી ભરી ઊંચે ચડવા મંડી. આપા સૂથાએ આભમાં નીરખ્યા જ કર્યું . એનો જીવ બહુ ઉદાસ થઈ ગયો. એક રાત તો એણે પથારીમાં આળોટી આળોટીને કાઢી. સવાર પડ્યું ત્યાં એની ધીરજની અવધિ આવી રહી. પોતાની માણકી ઘોડી ઉપર અસવાર થઈને આપો સૂથો સસરાને ગામ મેંકડે રવાના થયા.

મેંકડે પહેાંચીને તરત જ આપાએ ઉતાવળ કરવા માંડી. પણ સાસરિયામાં જમાઈરાજ મહેમાન થાય એ તો પાંજરામાં પોપટ પુરાયા જેવું કહેવાય ! એ પોપટનો છુટકારો એકદમ તો શી રીતે થાય ? એમાંય વળી વરસાદ આપાનો વેરી જાગ્યો : દિવસ અને રાત આભ ઇંદ્રાધાર વરસવા લાગ્યો. હાથીની સૂંઢો જેવાં પરનાળાં ખોરડાંનાં નેવાંમાંથી મંડાઈ ગયાં. એ પાણીની ધારો નહોતી વરસતી. પણ આપાને મન તે ઇંદ્ર મહારાજની બરછીએા વરસતી હતી ! સાસરાના વાસમાં પોતાની કાઠિયાણીના પગની પાની તો શું, પણ એાઢણાનો છેડોયે નજરે ન પડે ! એમ ત્રણ