પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધા૨: ૩

૨૨


કલોજી આવ્યો: જાણે સીમાડેથી સૂરજ આવ્યો. આખી રાતના ઉજાગરાથી આંખો રાતીઘૂમ થયેલી: મોઢાના દેવાંગી નૂર ઉપર હાલારની માટીના થર જામી ગયેલા : ઘોડીના મોમાંથી ફીણ ચાલ્યાં જાય છે.

“બાપુ, જરાક જ મોડું થયું.” માણસો બેાલ્યા.

કલાજીના મોંમાંથી નિસાસો નીકળ્યો – જાણે એનો જીવ નીકળ્યો.

“પણ, બાપુ, કાંઈ લૂંટાણું નથી, હો !” કોઈએ. દિલાસો દીધો.

“સાચું, બાપુ ! કાંઈ નથી લૂંટાણું, ફક્ત આબરૂ !”

“દરબારગઢમાં કોઈ જીવતું છે ?”

“એક પંખીડું પણ નથી ઊડ્યું.”

" શી રીતે ?"

“ દાદો તો ગઢના લબાચા વીંખવા આવ્યો, પણ એના મોટેરા ભાઈ મીરાંજીએ કહ્યું : “ ખબરદાર ! કલાજીની ઘરવાળિયું મારી બેન્યું છે. આજ કલેાજી ગામતરે હોય ને જો એના ઓરડા ચૂંથાય, તો તે પહેલાં મીરાંને માથે માથું ન રહે' એમ કહીને એણે પોતાનાં દોઢસો ઘોડાં નોખાં તારવ્યાં, અને દરબારગઢ ફરતાં ઉઘાડી તલવારે વીંટી દીધાં હતાં, બાપુ !”

“એક જ માના બે દીકરા ! વાહ મીરાંજી ! ભલે ભાંગ્યું લુણસર – તને ઓળખ્યો !” કલોજી બોલી ઊઠ્યો.

કલોજી એારડે ગયો. લોકોએ માન્યું કે બાપુના મનની વેદના હેઠી બેસી ગઈ. ઓરડાની ઓસરીની કોર પર રજપૂત બેસી ગયો. બાર વરસની નમણી અને કાલી કાલી બોલી બોલતી દીકરી બહાર આવીને બાપુને નીરખતી નીરખતી ઊભી રહી. પોતાની ઘોડીના હનામાંથી કાંસાની તાંસળી કાઢીને કલાજીએ દીકરીને કહ્યું :