પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩

કલોજી લૂણસરિયો


“બેટા, આ તાંસળીમાં ગોરસ લાવજે.”

દહીં આવ્યું : અંદર મૂઠી ભરીને સાકર નાખી : સાકર ને દહીં ઘોળીને કલેાજી પોતે પી ગયો. બીજી તાંસળી કાઢી : એમાં અફીણ વાટ્યું : દીકરીની પાસે રોટલો માગ્યો: રોટલાનાં બટકાંમાં અફીણ ભરી ભરીને તાજણને ખવરાવ્યું. બે ભાર અફીણનું અમલ તાજણના પેટમાં ગયું, એટલે થાકેલી તાજણ પાછી થનગનાટ કરવા લાગી, બાપુના પેટમાં ઠંડક થઈ. પછી એણે દીકરીને કહ્યું :

“લે બેટા, હવે મારાં દુખણાંં લઈ લે, બાપ !”

દીકરીની આંખમાંથી આંસુ વહેતાં થયાં.

“રજપૂતાણિયું ! બેય જણિયું ઘરમાં શું કરી રહ્યાં છો ? આપણું બાળક આમ રોવા બેસે તો સાત પેઢીને ખોટ લાગે, હો ! છાની રાખો ગીગીને. સારો જમાઈ ગોતીને પરણાવજો ! કરિયાવરમાં કચાશ રાખશો મા ! કિરતાર તમારાં રખવાળાં કરશે. લે, બેટા ગીગી, દુખણાં લઈને સારા શુકન દે, કે ઊજળે મોઢે બાપનું મોત થાય !”

દીકરીએ એના નાના રૂપાળા હાથનાં વારણાં લીધાં: દસે આંગળીના ટચાકા ફૂટ્યા. બાપુને માથે આંસુનો અભિષેક કર્યો.

તાજણનો અસવાર બહાર નીકળ્યો. દુશમન કઈ તરફ ગયા તે રસ્તો પૂછીને છાનોમાનો એકલો વહેતો થયો.

ભળકડામાં લૂણસર ભાંગીને હાદા ખુમાણ અને મીરાંદાદો બેફિકર બની ચાલ્યા જતા હતા. આખી રાતનો ઉજાગરો હોવાથી અસવારે બધા ઝોકાં ખાતા ખાતા ધીરી ગતિએ ઘોડાં હાંક્યે જતા હતા. વચ્ચે રખેાપા વિનાના ઊભા મોલમાં ઘેાડાં બાજરાનાં ડૂંડાં કરડતાં હતાં. એને કોઈની બીક નહોતી.