પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૨૪


“એલા, ભણેં. કલોજી!” એક કાઠીએ ઓચિંતી ચીસ પાડી.

“કલોજી ! કીસેથી ! એલા, કલોજી નહિ, આપણો કાળ !” એમ કહીને કાઠીઓ ભાગ્યા. મીરાં-દાદો પણ ઊભા ન રહી શક્યા. વાંસેથી કલાજીનો પડકાર ગાજ્યો કે "માટી થાજો !”

રજપૂતની હાકલથી પણ શત્રુઓનું અર્ધું કૌવત હણાઈ ગયું. ભેટંભેટા થઈ. જેને માથે કલાજીની તલવારનો ઘા પડ્યો તે બીજો ન માગે. એમ ઘણાને સુવાડ્યા, અને પોતે પોતાના શરીર ઉપર એંશી એંશી ઘા ઝીલ્યા. ઘોડી પણ ઘામાં વેતરાઈ ગઈ. કલોજી પડ્યો. ઘોડી એના ઉપર ચારે પગ પહોળા કરીને ઊભી રહી. પોતાના લોહીના ધારોડામાં તાજણે ધણીને નવરાવી નાખ્યો. ત્યાં તો “માટી થાજો ! લૂણસર ભાંગનારા, માટી થાજો !” એવી ગર્જના થઈ. ગોંડળની વહાર ધરતીને ધણધણાવતી આવી પહોંચી.

“ ભાગો ! ભણેં, ભાગો !” કહેતા કાઠીઓ ભાગ્યા. ભાગતાં ભાગતાં ગોંડળની ફોજના એક મોવડીને ઘા કરીને પાડતા ગયા. કલોજી અને એનો ભાણેજ પડ્યા રહ્યા. જેમ વંટોળિયો જાય તેમ બેય કટક ગયાં – આગળ દુશમનો ને પાછળ ગોંડળિયા.

પચીસ વરસની અવસ્થાએ કલાજીએ સંકલ્પ કરેલો હતો કે ચાળીસ વરસે શંકરને માથે કમળપૂજા ખાવી. આજ મોતની ઘડીએ કલાને એ પ્રતિજ્ઞા સાંભરી. આજ એને પાંત્રીસ વરસ થયાં છે. હજી પાંચ વરસની વાર છે. મનમાં આજ વિચાર ઊપડ્યો કે કમળપૂજાની હોંશ હૈયામાં રહી જશે તો અસદ્દગતિ પામીશ.

ઊભા થવાની તો તાકાત નહોતી, એટલે ઘોડીનું પેંગડું ઝાલ્યું: ઝાલીને ટિંગાણો: ટિંગાઈને ઊંચો થયો.