પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કલોજી લૂણસરિયો

૨૫

કાઠાની મૂંડકી સાથે ભંભલી બાંધી હતી. ભંભલીમાંથી પાણી ભોંય ઉપર ઢોળ્યું : પાછો નીચે પછડાણો : હાથ લંબાવીને ધૂળ-પાણી ભેગાં ચોળ્યાં : ગારો કરીને એમાંથી શિવલિંગનો આકાર બનાવ્યો : હાથમાં તલવાર લીધી : પીંછી જમીનમાં ભરાવી: મૂઠ હાથમાં ઝાલી – ને ધાર ઉપર ગળાનો ઘસરકો દીધો. આખુંય માથું ઊતરી ગયું ત્યાં સુધી ભીંસ દીધી. ગારાના શંકર ઉપર પોતાનું ગળું રાખ્યું, એટલે લોહીની જાણે જળાધારી વહેવા લાગી. પૂજા મહાદેવને માથે પહોંચી ગઈ: પાંચ વરસ વહેલી પહોંચી.

બેઠો બે વીસાં તણી, જડધર વાટ્યું જોય,
(પણ) કલિયો વેધુ કેાય, પાંત્રિસે પોગાડિયું.

શંકર તો બે વીસુ (ચાળીશ) વરસ પૂરાં થવાની વાટ જોઈને બેઠો હતો, પણ કલોજી ચાડીલો – આગ્રહી હતો. એણે તો પાંત્રીસ વરસે જ મહાદેવને પહોંચાડી દીધું.