પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેર

કુંડલાના થડમાં અરઠીલા[૧] ગામ છે. તેમાં સોનરા બાટી નામનો એક ચારણ રહે, અને કાંકચ ગામમાં વેસૂર ગેલવેા નામે સોનરા બાટીનો સાળો રહે. બન્નેનો સારો ગરાસ હતેા. સાળા-બનેવીને હેતપ્રીત પણ રૂડી હતી.

એક વાર સોનરા બાટીએ પોતાના સાળાને ગેાઠ કરવા બોલાવ્યો. વેસૂર ગેલવાને ચાર વરસનો એક દીકરો હતો. નામ પીઠાશ. પીઠાશે બાપુની સાથે ફુઈને ઘેર જવા હઠ લીધી. બાપે પીઠાશને સાથે લીધો. નાના પીઠાશે પોતાના પાળેલા સસલાનેયે સાથે લીધો, કારણ કે સસલે પણ પોતાની મૂંગી ભાષામાં હઠ લીધી કે 'હુંયે આવું !' બાપને મન પણ સસલો તો બીજા દીકરા જેવો જ હતો. ગળે બાંધેલી ઘૂઘરીઓના મીઠા રણકાર કરતો સસલો ગોઠમાં ચાલ્યો.

કોઈ બગીચામાં ગોઠ થતી હતી. સસલો કૂણાં કૂણાં તરણાં ચરતો ખેલતો હતો; નાનો પીઠાશ અને એનો બાપ ક્યાંઈક આડાઅવળા થયા હશે, એટલે પીઠાશના ફુઆની જીભમાં એ સસલો જોઈને એવું પાણી છૂટ્યું કે એને હલાલ કરાવીને મસાલેદાર શાક તૈયાર કરાવી નાખ્યું. બધા જમ્યા. સાંજરે જુદા પડવાનો સમય થયો, તે વખતે નાના પીઠાશને

એનો સસલો સાંભર્યો. એ કહે : “બાપુ, ભાઈ ક્યાં ?”


  1. * આજે ત્યાં ગામ નથી પણ માત્ર ઉજ્જડ ટીંબો છે.
૨૬