પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭

વેર


બાપુએ ભાઈને ગોત્યો પણ ભાઈ તો બધાંનાં પેટમાં હતો; ભાઈના ઘૂઘરા ક્યાંથી સંભળાય ? પીઠાશે સોનરાને પૂછ્યું:

“ફુઆ, ભાઈ ક્યાં ?”

“ભાઈ વળી કોણ ?”

“અમારો સસલો.” વેસૂર ગેલવે કહ્યું.

“સસલો તો પડ્યો આપણાં પેટમાં !” ફુઆએ વાત સમજાવી.

પીઠાશ રડવા લાગ્યો. વેસૂર ગેલવો ગળગળો થઈ ગયો. એણે કહ્યું : “અરે ભૂંડા, પેટના દીકરા જેવા સસલાને મારી નાખ્યો ! અને એની માટી મને ખવરાવી? બનેવી છો એટલે શું કરું ? બીજો હોત તો ભારોભાર લોહી-માંસ વસૂલ કરત.”

સાળો-બનેવી ચડભડ્યા. વેસૂર ગેલવાનું ડોકું ઉડાવી દઈને સોનરો બાટી ઘેર ચાલ્યો ગયો. જઈને ઘરવાળીને કહે : “ચારણ્ય તારા ભાઈને મારીને આવ્યો છું.”

“એમાં શું ? એ તો મરદના ખેલ છે.” એટલું બોલીને ચારણીએ પોતાના હૈયામાં કંઈક લખી લીધું. પછી મોં વાળીને જે વિધિ કરવાની હતી તે કરી.

નાનો પીઠાશ ફુઆની બીકથી ભાગીને પોતાની મા સાથે ચિતોડ[૧]આવ્યો છે; નાનો મટીને જુવાન બન્યો છે. રાણાના રાજદરબારમાં કવિરાજની પદવી પામ્યો છે. ચિતોડના રાજદરબાર એની કવિતા ઉપર, મોરલી ઉપર નાગ ડોલે તેમ, ડોલી રહ્યો છે. તે વખતે માની આંખમાંથી દડ દડ પાણી પડતાં જોયાં.

“ મા, કેમ રોવું આવ્યું ? ” દીકરે પૂછ્યું.


  1. * કોઈ કહે છે કે જામનગર.