પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સ ધા૨: ૩

૩૦

એમ કરતાં તો ઘણા દિવસો ગયા. 'કાલે નામ મંડાવશું' એમ કાલ કાલ કરતાં પીઠાશ પોતાના આ દેવોને રોકી રાખતો હતો. દેવો રોકાય છે, પણ ચોપડામાં નામ નોંધવા માટે નહિ, વેર લેવાનો લાગ ગોતવા. એ લાગ નથી મળતો. પીઠાશ મહેલમાંથી જ્યારે દરબારમાં જાય છે અને દરબારમાંથી પાછો ઘેર આવે છે ત્યારે સાથે આરબોની બેરખ હોય છે. એકલો ક્યાંય મળતો નથી.

એક દિવસ એવો આવી ગયો : રાતનો બીજો પહોર જામતો આવે છે. વેશધારી રાવળો ડેલીએ બેઠા બેઠા રવાજ ઉપર સૂર જમાવી રહ્યા છે. આવડ, ખેાડલ, બેચરાજી વગેરે જોગણીઓના છંદો રવાજના સૂરની સાથે ઘોર નાદે લલકારી રહ્યા છે. બીજી બાજુ ઝરૂખામાં પીઠાશ અને એની જોબનભરી ચારણીની વચ્ચે મીઠી મીઠી મસ્તી જામતી આવે છે. સુખી વર-વહુ સામસામાં સુખ-કિલ્લોલ કરી રહ્યાં છે. એ બેલડીના જગતમાં અત્યારે જાણે ત્રીજું કોઈ માનવી જીવતું જ ન હોય એવી બાદશાહી જામી છે. ઝરૂખો ધણધણે છે. ચારણ પોતાની બધી કવિતા ને બધા અલંકારો ઘરની નારી ઉપર ઢોળી રહ્યો છે. સુખ જાણે કે સમાતું નથી !

ત્યાં તડ...તડ કરતી ચારણીના હાથની ચૂડલી નંદવાણી. મસ્તી થંભી ગઈ બન્ને હાથમાં ફકત એકેક જ ચૂડી : રાતીચોળ ચૂડી : તે ફૂટી. ચારણી થડકતે હૈયે બોલીઃ “મારા હાથ અડવા નહિ રાખું. અત્યારે જ ચૂડી લાવી આપો.”

“અત્યારે મધરાતે ચૂડલી ક્યાંથી મંગાવું ?” ચારણ હાંસીમાં બોલ્યો : “એક રાત હાથ અડવો રહેશે તો મને કાંઈ કોઈ મારી નહિ નાખે !”

“ચારણ ! ચૂડલીની ઠેકડી ન હોય. લાવી આપો.”