પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧

વેર


“લ્યો; માણસ મોકલું.”

“ના; માણસને મણિયારા હોંકારો ન આપે. તમે પોતે જ લઈ આવો."

પીઠાશ ચૂડલી લાવવા ચાલ્યો. બીજા માણસો સૂઈ ગયેલાં. એકલો જ ચાલ્યો. ડેલીએ રાવળ ભાઈઓ બેઠા હતા તે બોલ્યા :

“અન્નદાતા ! અટાણે એકલા ? સાથે આવીએ!”

“ભલે, દેવ, ચાલો.”

બન્નેની ભેટમાં કટારી તો હતી. ત્રણે જણા ચાલ્યા. એવે ટાણે મણિયારાનું ઘર ઉઘડાવ્યું. ચૂડી ખરીદીને પાછા ચાલ્યા. રસ્તો ઉજ્જડ હતો.

પીઠાશ પૂછે છે : “જુઓ છો, દેવ, ચૂડી કેવી ?”

નાગાજણ જવાબ વાળે છે :

ચૂડી ચિત્રોડા, મૂલવતાં મોંઘી પડી,
(હવે) નાખીશ નિત્રોડા, પેલા ભવની પીઠવા!

હે ચિતોડના વાસી બનેલા પીઠાશ, ચૂડી તો તને બહુ મેાંઘી પડી ગઈ, હવે તો આવતા અવતારનાં સૌભાગ્ય સાચવવા જ એ પહેરી શકાશે.

પીઠાશ ચેાંક્યો. આ મર્મવાણીમાં જાણે કંઈક ભણકારા તો વાગ્યા. પણ સમજ્યો નહિ; પૂછ્યું :

“દેવ, મરશિયા જેવો દુહો કાં કહ્યો ?”

હમીરે ઉત્તર દીધો : “લ્યો, બાપ, રૂડો દુહો કહીએ."

મેળવતાં મળિયા નહિ, જળ જાંખીર તણાં,
અંગ અરૂડ થયાં, પારે રિયાં પીઠવા !

હે પીઠવા, ઝાંઝવાનાં જળ મેળવવા તો બહુ મહેનત કરી, પણ તે મળ્યાં નહિ, અંગ થાકી ગયાં, અને પાણી પીધા વિનાના તમે કાંઠે જ રહી ગયા.