પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭

પાદપૂર્તિ

રાજ્યમાં ભાગ પડાવવા આવતો શત્રુ જોયો. સૂંઢમાંથી આડસર ફગાવી દઈને કારમી ચીસ દેતો હાથી સીધો ધસ્યો, પણ રાઠોડને તો જાણે કંઈયે ઉતાવળ નથી; મલપતે પગલે, શાંત ચહેરે, રાઠોડ જાણે કે કોઈ મહેમાનને બથમાં ઘાલીને મળવા આવતા હોય તેવી રીતે ચાલ્યા આવે છે.

બરાબર ચોકમાં ભેટો થયો. ગજરાજે રાઠોડને પોતાની સૂંઢમાં ઉપાડ્યા. લોકોની મેદનીમાંથી “અરરર” શબ્દ ઊઠ્યો. પછી જાણે કે કોઈના ખોળિયામાં જીવ ન રહ્યો. આરસનાં જાણે પૂતળાં ઊભાં.

લોકોએ શું જોયું ? – જોયું કે હાથીએ સૂંઢમાં લઈને રાઠોડને ગગનમાં ઉડાડ્યો ! નીચે પડે તો ભુક્કા થાય ! જરાક વાર હતી. કસાયેલો જોગો પડ્યો! પણ ક્યાં પડ્યો ? હાથીની પીઠ ઉપર ! કેવી રીતે ? ઊભો હોય તેવો ! પડતાં પડતાં જ હાથીના કુંભસ્થળમાં લાંબી કટારી હુલાવી. એ કટારી તો કુંભસ્થળમાં પેસી ગઈ, સાથે જોગાની ભુજા પણ કાંડા સુધી ગજરાજના દેહમાં પેસી ગઈ. કટારીએ સોંસરવી જઈને બીજી બાજુ મોઢું કાઢ્યું. હાથી થંભી ગયો. લોકો અવાક ! હાથી અવાક ! જોગો પણ હાથીની ગરદન પર ઊભો ઊભો અવાક ! શું બોલે ? લૂખી વાણી કાઢવાનો તો એ વખત નહોતો. કોઈ અમર વાણી : કોઈ ચિરંજીવી કાવ્ય : કોઈ અક્ષય તસવીર: ચુપાચુપ. ત્યાં તો ક્યાંકથી નાદ ગાજ્યો:

કુંભાથળ વાઈ કસી, જોગારી જમદઢ્ઢ,

જમની દાઢ જેવી જોગાજીની કટારી હાથીનું કુંભસ્થળ ભેદી નીકળી, કેવી રીતે નીકળી ?

ઝરૂખા ઉપરથી લલકાર કરતો એ જયઘોષ ખુદ રાજાજીના ખુલ્લા કંઠમાંથી વછૂTયો. હવાના અદૃશ્ય દરિયામાં