પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર્ :૩

૩૮

હિલોળા ઉછાળતો એ સ્વર જાણે આઘે આઘે; છેક સામે કિનારે ગાજી ઊઠ્યો; પણ ચરણ એક જ; બીજું ચરણ ક્યાં ? દુહો પૂરો કોણ કરે ? રાજાજીની છાતી ફાટ ફાટ થાય છે. ફરી વાર એ બોલે છે :

કુંભાથળ વાઈ કસી, જોગારી જમદઢ્ઢ,

આકાશમાં નાદનો જાણે ગબારો ચડ્યો. જાણે ગગન પોતે જ શબ્દ ઉચ્ચારીને અનાદિ કાળનું સૂનું જીવન સાર્થક કરે છે ! પણ બીજું ચરણ ક્યાં ? દુહો અધૂરો ! અધૂરો ! બીજા ચરણની ઝંખના કરતાં રાજાજી ત્રીજી વાર બેાલે છે :

કુંભાથળ વાઈ કસી, જોગારી જમદઢ્ઢ,

એ ઉચ્ચાર શમી ગયા, સાગરને સામે કિનારે અથડાઈને જાણે પાછા વળ્યા, આકાશના ઘુમ્મટમાંથી જાણે ઘા પડ્યો. આખી મેદની ચીરીને સ્વર નીકળ્યા કે :

::જાણ અષાઢી બીજળી, કાળે વાદળ કઢ્ઢ !

અષાઢની વીજળી જાણે કાળા વાદળને વીંધીને નીકળી.

“શાબાશ !” રાજાજીએ ચરણ ઝીલ્યું : “ફરી વાર, ફરી એક વાર.” અવાજ જાણે ધરતીનાં પડ ભેદીને ફરી આવ્યો:

::જાણ અષાઢી બીજળી, કાળે વાદળ કઢ્ઢ !

"ફરી એક વાર, ફરી એક વાર,” આદેશ છૂટ્યા. ત્રીજી વાર એ ગુપ્ત સ્વર ગાજ્યો :

::જાણ અષાઢી બીજળી, કાળે વાદળ કઢ્ઢ !

“શાબાશ ! શાબાશ !” એમ ભલકારા દેતા દેતા રાજાજી નીચે ઊતર્યા. એ બોલનારનું કાંડું ઝાલ્યું : “બોલ, બચ્ચા, તું કોણ?”