પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩

હજાર વર્ષ પૂર્વે

કરીને જોષીએ નિસાસો નાખ્યો. માતાએ પુછાવ્યું : “કહો જોષીરાજ ! જન્માક્ષર શું કહે છે?”

“કહે છે કે દીકરાનું મોઢું જોયે બાપનું મોત થાશે !”

સોનેરી પાંભરીમાં બાળકને વીંટાળવામાં આવ્યું. આંસુભરી આંખે માતાએ આજ્ઞા કરી : “એને વગડામાં નાખી આવો. ”

બાનડી નાખવા આઘે આઘે ગઈ: એક બખોલ દેખી, બાળકને ત્યાં નાખીને પાછી વળી.

તરતની જ વિયાયેલી એક વાઘણ પોતાનાં બે બચ્ચાંને એ બખોલમાં મૂકીને ભરખ ગોતવા ગયેલી પાછી આવીને બચ્ચાંને ધવરાવવા બેઠી. પાસે પડેલા બાળકને માથે એાર હતી તેથી તેને પણ પોતાનું બચચું માની ગોદમાં લીધું. એાર ચાટી લીધી. હેત ઊપજી ગયું. ત્રણે જણાં વાઘણના આંચળ ચસ ! ચસ ! ચસ ! ચૂસવા મંડ્યા. બચ્ચાને ધરવીને વાઘણ વગડામાં ચાલી ગઈ.

મોંસૂઝણું થયું. બે ભરવાડો નીકળ્યા. એમણે આ કૌતુક જોયું, બે વાઘનાં બચ્ચાં ને એક માનવીનું બચ્ચું ! એકબીજાને ચાટે છે ! માનવીનું બાળક હાથ-પગ ઉલાળતું ઘુઘવાટા દે છે. ત્રણેને ઉપાડીને ગોવાળિયા દરબારમાં લાવ્યા. આ કૌતુક કોણ સમજાવે ? પૂછો બીજ સોંલકીને !

માનવી બાળકને છાતીએ ચાંપતાં જ તરત આંધળો બીજ બોલ્યો : “ અહાહાહા ! મારું કાળજું ઠરીને હિમ થાય છે, બાપ ! આ બીજો કોઈ ન હોય, આ તો મારું જ પેટ !”

“શું બોલો છો, ઠાકોર ?”

“પુછાવો રાણીવાસમાં : સોનાબાને શું અવતર્યું ?”

રાણીવાસમાંથી ખબર આવ્યા કે મરેલું કાચું બાળક અવતર્યું હતું.

“એને ક્યાં નાખ્યું ?”