પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫

હજાર વર્ષ પૂર્વે

ને ડુમડીએ વારાફરતી સૂઘ્યું. “એાય રે રાણીમા ! પેટમાં કોણ જાણે શુંયે થઈ ગયું !” – એમ ત્રણે જણી બોલી. કોઈક જતિ-જોગટાનું મંત્રેલું માનીને બાનડીએ ફૂલ બારીએથી ફેંકી દીધું. ફૂલ ઘોડારમાં પડ્યું. સો સો ઘમસાણોમાં ઝૂઝેલી પરનાળ નામની ઘોડી ત્યાં બાંધી હતી. એણે એ સૂંઘ્યું, પાંચેયને ઓધાન રહ્યાં.

જહીએ માવલ જનમિયો, લાખણસી સોનલ,
નેત્રમ માગેણો હુવો, ડાઈ જાઈ કમલ.

જહી બારોટાણીને માવલ સાબાણી નામે પ્રખ્યાત બારોટ જન્મ્યો, સોનલ રાણીને લાખો ફુલાણી અવતર્યો, નેત્રમ દાસીને માગેણો અને ડાહી ડુમડીને કમલ.

રાજમાતાની કૂખે કુંવર લાખો જન્મ્યેા. એના જન્મને દિવસે જગતમાં શું બન્યું ?

જે દી લાખો જનમિયો, ધરપત કાછ ધરા,
તે દી પીરાણા પાટણજા, કોઠા લોટ કરા.

કચ્છનો ધરાપતિ લાખો જે દિવસે જન્મ્યો, તે દિવસે જ બરાબર એના પિતા ફૂલે અણહિલપુર પાટણના કિલ્લાને ભોંભેળો કરી નાખ્યો.

સૂરજનો કુમાર આવા વીર-શુકન લઈને ધરતી પર ઊતર્યો. એના જન્મની ખુશાલીનો ડંકો ચોરાની ઝાલર ઉપર નહિ પણ ગુજરાતના પાટનગરના ગઢની દીવાલ ઉપર વગડ્યા. એની છઠ્ઠીના લેખ લખનારી વિધાતા મોળો, અક્ષર કાઢતાં કાંપી ઊઠી હશે.

બાપની સાથે કુંવર લાખાને અણબનાવ થયો, મોઢું; જોવાનુંયે સગપણ ન રહ્યું, સૂરજનો પુત્ર જુવાનીના રંગ રમવા સોરઠને કાંઠે ઊતર્યો; કંઈ ઘમસાણ બોલાવ્યાં, આઠ આઠ કોટની રચનાવાળું એક નગર બાંધ્યું.