પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૭૮

તો બા ! આલેકનાં વારણાં લેવા જાવું પડશે.”

"આપા લાખા, ઈ વાતું થાય !” લાખા ખાચરને રઢ ચડાવવાના ઇરાદાથી વીકો ગીડો દાઢમાંથી બોલ્યો.

“ઠીક તંઈ બા ! માંડો પલાણ. એનાં કાંઈ મુરત જોવાય છે ?” કહીને લાખા ખાચર બગલાની પાંખ જેવું પાસાબંધી કેડિયું પહેરીને તૈયાર થયા. પાણીનું છાપવું ભરીને બેય બાંયેાની કરલ ચડાવી લીધી. દાઢીના કાતરા ઝાપટીને મોસાળિયું બાંધી વાળ્યું. દોઢસો ઘેાડે લાખો ખાચર સરલા ભાંગવા ચડ્યા. રસ્તામાં જસા ગીડાએ અને વીકા ગીડાએ ઉકાના ઘાટ ઘડવા માંડ્યા. એને ખબર હતી કે આલેક કરપડો હંમેશાં દુશ્મનેાની ફોજમાં જે મોવડી હોય તેને જ માથે ત્રાટકે છે. ઉકાને મોવડી બનાવવાનું તરકટ મંડાણું.

“અરે ઉકા !” વીકે આદર કર્યો, “માણસમાં કે'વાય કે રાજા જેને માથે રૂઠે, એનાં તે દળદર ભુક્કા થઈ જાય. પણ બા, આપા લાખાની તારે માથે આવડી બધી મહેરબાની તેાય તારા કરમમાંથી આ ટારડી નો ટળી, હો !”

“અરે બોલ્ય મા, બોલ્ય મા, વીકા !” જસાએ મહેણું દીધું, “નકર હમણે જ આપો લાખો ઉકાને એની કાળુડી દઈ દેશે.”

“એ બા, બહુ નો દાઢીએ, હે ! મરમનાં વેણ કાળજાં વીધે, બા ! લ્યો, તમારે બહુ હોંશ હોય તો કાળુડી ઉકાને દીધી !” એમ બોલીને આપો લાખો ઉકા ભણી બોલ્યા : “લે, ઉકા ! હેઠો ઊતર્ય. આ લે કાળુડી, લાવ્ય તારી ટારડી મારી રાંગમાં.”

કાળુડી તે કેવી? જાંબુડાવરણી : કાયા ઉપર ગલ ઉપડતા આવે : ઊંટ જેટલી તો ઊંચી : હજાર ઘોડાંમાંથી