પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫

આલેક કરપડો


“અરે આલગા ! મારો આલગેા તે અધરાતે જાય ? ગા'ના ગાળા તેા છૂટવા દે, બાપ ! હવે વાર નથી.”

બાપ-દીકરો દાંત કાઢે છે. વાતો કરે છે, એમ કરતાં પ્રાગડ વાસી. ગાયો છૂટી. આલેક બોલ્યો : “બાપુ, હવે તો લાજ જાશે, હો ! મારા શ્વાસ તૂટે છે !”

“મારો બેટો ! કાઠિયાણીના દીકરો ડાયરાને કસુંબાની અંતરાય પાડે કોઈ દી? હમણાં ડાયરાને કસુંબા લેવરાવીને પછે છાશું પાઈ દઈએં. પછી સહુ હાલીએ, નીકર ડાયરો વગેાવશે કે આલગના મરણમાં દુઃખી થ્યા !”

કસૂંબો અને શિરામણ ઊકલી ગયાં. આલેક પૂછે છે : “બાપુ ! હવે ?”

“બસ, હવે ખુશીથી જા, મારા બાપ ! પણ બેટા આલગડાને કાંઈ પાલખી હોય ? એ તો હાલીને જ સુરાપુરીમાં જાય ને ! એ તો અસમેરનાં પગલાં ભરે.”

આલેક કહે : “બાપુ, તમે તો ગજબ આદર્યો !”

બાપુ બોલ્યા : “હોય, બાપ હોય; શૂરવીરને તો જીવ ત્યાં લગીયે ગજબ, ને મરે ત્યારેય ગજબ !”

આલેક ઊઠ્યો. એને હાથમાં ભાલો લેવરાવ્યો. ભેટમાં તરવાર આપી, પગમાં કોરી મોજડી પહેરાવી, કપાળે કેસરચંદનનું તિલક કર્યું , ગળામાં હાર નાખ્યો. ગાજતે ઢોલે ડાયરો હાલ્યો. આખા ડાયરાની મોઢા આગળ આલેક કરપડો હાલ્યો, સ્મશાને પહોંચ્યો. ચેહ ખડકાઈ. આલેક ચિતામાં બેઠો. સહુએ રામરામ કર્યા.

બાપુએ પૂછ્યું : “બેટા, કાંઈ કહેવું છે?”

“હા, બાપુ ! મારો કોલ છે કે, મારા વંશનો હશે તેને કોઈ દી ધીંગાણામાં ઉનત્ય (ઊલટી) નહિ આવે.”

એટલું બોલીને એણે ઉત્તર દિશાનું એાશીકું કર્યું , ભેટ છેાડી નાખી, આત્મારામ ઊડી ગયેા.