પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૮૬

એનું વરદાન આજ સુધી પણ ફળતું આવે છે.

મોરબીના દરબારગઢમાં એ જ ઠાકોર એ જ ચારણની સાથે સોગઠે રમે છે. ગોઠણભર બનીને ચારણ પાસા ફગાવતો ફગાવતો બોલે છે : “આવજે, આલેકડા સીસાણા !”

ખિજાઈને ઠાકોર કહે છે : “તારો સીસાણો તો ગયો ઊંચો !”

”હા, ઠાકોર, હા ! આંહી તો તમે ખવાસનો વેશ પહેરીને એને છેતરી આવ્યા, પણ ત્યાં સ્વર્ગાપરમાં તમારા બાપુ કાંયાજી ભાગીને ક્યાં જશે ? ત્યાં આલેકડો તમારા બાપુને નહિ જંપવા દે. આજ રાતે જ હું આભમાં બોકાસાં સાંભળતો હતો.” એમ કહીને લલકાર્યું –

અલેકડો આકાશ, વાળો વઢવાડ્યું કરે,
કાઠી કાંયા પાસ, રાડય ન મેલે રાણાઓત.

હવે તો આલેક આકાશમાં તારા પિતા કાંયાજીની સાથે યુદ્ધ કરતો હશે. એ રાણાનો પુત્ર ત્યાં કાંયાજીની પાસે પોતાને વિરોધ નહિ મૂકે.