પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધા૨: ૩

૯૦


ખાંટ જુવાનિયા એક પછી એક ચૂલા પાસે ચાલ્યા. હાંડીની ઢાંકણી ઉપાડી : જુએ તો અંદર ચોખા ફસફસે છે ! વાઢો તોય લોહી ન નીકળે એવાં ઝાંખાં ડાચાં લઈને જુવાનો બહાર નીકળ્યા. બાવો કળી ગયો હતો. કોચવાઈને એ બોલ્યો : “ક્યોં ? દેખ લિયા ? ખુલાસા હો ગયા ? ઇતના અહંકાર ? જાવો, ખાંટ સબ ઝાંટ હો જાવોગે.” બાવાએ શાપ દીધો.

ફાટીને ધુમાડે ગયેલા ખાંટોથી કોચવાઈને એ સંત ગિરનારની છાંયડીએ રામદાસજીની જગ્યામાં જઈને રહેવા લાગ્યા. ત્યાં એક દિવસ એક વૃદ્ધ કાઠિયાણી, ભેળા સો સો અસવારો લઈ ને, બાવાજીનાં દર્શને આવ્યાં. બાવાએ ધૂણીમાંથી ભભૂતની ચપટી ભરીને કાઠિયાણી સામે હાથ લંબાવ્યો : “લે મૈયા, રામજી તેરેકો બીલખાકા ધની દેતા હૈ.”

સાઠ વરસની કાઠિયાણીનું કરચલિયાળું મોઢું ધરતી પર ઢળ્યું, બાવો તો એના બાપ જેવો હતો. પણ કાઠિયાણીને ભોંઠામણ એ આવ્યું કે, “અરે, આવાં તે વચન કાંઈ ફળે ? હવે સાઠ વરસની અવસ્થાએ કાંઈ દીકરો થાય ?”

પણ બાવાજી જાણતો હતો કે એ કાઠિયાણીને માથે કયા કાઠીનું એાઢશું પડ્યું હતું.

કે' ડેરા કે' ડોઢિયું, કે' આવાસ કે'વાય,
(પણ) વીરો વ્રહમંડળ સારખો, (જેની) સા'માં જગત સમાય,

કોઈ કોઈ વીર પુરુષો એવા હોય, જેને ડેરા તંબૂની ઉપમા આપી શકાય. એથીયે મહાન નરવીરો હશે, જેને ઘરની ડેલીઓ સાથે સરખાવાય. એથી પણ ચડિયાતા હોય, તેને આખા આવાસ જેવાં મહાન હોવાનું માન અપાય; પણ વીરો વાળો તો કેવો ? આકાશ જેવડો. એની છાયામાં તો આખું જગત સમાય.