પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧

દુશ્મન


જેતપુરનાં પોણાબસો ગામડાં બલૂચોના હાથમાંથી જીતી લેનાર મિતિયાળાના વીજા ખસિયાને તોડવામાં સામત ખુમાણને સહાય કરનાર, અને ચિત્તળના જંગમા આતાભાઈ સામે આફળનાર એ બંકા કાઠી વીરા વાળાની વરદાન પામેલી કાઠિયાણીને સાઠ વરસે ઓધાન રહ્યું. નવ મહિને પૂનમના ચાંદ જેવો દીકરો અવતર્યો. બાવાજીનો બક્ષેલો એટલે એનું નામ 'એાઘડ' પાડ્યું. ભરજોબનમાં વહેતી એ ઊંડી ને ગાંડી ભાદર નદીના ઊંચાઊંચા કાંઠા ઉપર વીરા વાળાના વાસ હતા.

જૂનાગઢના બાબી રાજાને ઓઘડ અવતર્યાના ખબર મળ્યા. વીરા વાળાની સાથે બાબી સરકારને બે સગા ભાઈ જેવી હેતપ્રીત હતી, તેથી 'કુંવરપછેડો' તો કરવો જોઈએ, બીલખાનો ત્રીજો ભાગ જૂનાગઢના હાથમાં હતો. પણ મદમસ્ત ખાંટો જૂનાગઢને એ ત્રીજો ભાગ પણ સખે ખાવા દેતા નહોતા : એક હાથ જીભ કઢાવતા. જૂનાગઢ ફરતાં પણ ખાંટોનાં ગામ વીંટળાઈ વળ્યાં હતાં: બાબીએ વિચાર્યું કે આ વીરો વાળો ખાંટોને પૂરો પડશે. બીલખાની પાટી સરકારે એાઘડ વાળાને કુંવરપછેડામાં બક્ષી. કાઠિયાણીને સાંભર્યું કે બાવાની વાણી સાચી પડી. એાઘડ વાળો તેા અવતરતાંની સાથે જ બીલખાના ત્રીજા ભાગનો ધણી થઈ ચૂક્યો. વીરા વાળાએ કુંપા અને કાંથડ નામે બે મોટેરા દીકરાને જેતપુરની પાટી ભળાવી. અને પોતે એાઘડની સાથે બીલખે જઈ ને એારડાં બાંધ્યાં.

જેની એક હાકલ થાતાં તો ખાંટોની બાર હજાર ચાખડીઓ બીલખાને ચોરે ઊતરે, હથિયાર બાંધનારો એક પણ ખાંટ જોદ્ધો ઘરમાં સંતાઈ ન રહી શકે, તેવા ખાંટ રાજા ભાયા મેરની આણ કુંડલાના ઝાંપા સુધી વર્તાતી હતી. ચોરે રોજ સવારસાંજ અડાબીડ ડાયરો ભરાતો હતો.