પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૯૪

ભાયા મેરને મનમાં થયું : “બહુ થયું ! વીરો વાળો કટકોય નહિ મેલે. બન્યા તેટલા ઉચાળા લઈને એ ભાગ્યો; ગોંડળનું ગામ સરસાઈ છે ત્યાં ગયેા. ભા' કુંભાનું શરણ માગ્યું. ભા'કુંભા તે વખતે ગોંડળનાં નવાં ગામ વસાવતા હતા: દગાથી, આજીજીથી ને તલવારથી ગરાસ કમાતા હતા. સં. ૧૮૦૯ની અંદર નવાબની સાથે એને નવાગઢ મુકામે લડાઈ થઈ, ત્યારે વીરા વાળાએ અને ભાયા મેરના ભાઈ જેમલ મેરે આવીને એને મદદ કરી હતી. વીરા વાળાને કુંભાજીએ કાગળ લખ્યો કે “આંહી પધારો, બીલખાના સીમાડા નક્કી કરી આપીને હું તમારો કજિયો પતાવું.”

વીરો વાળો તે વખતે જ જેતપુરથી આ ખબર સાંભળીને બીલખે આવેલો. ખાંટના લબાચા વીંખાવાની તૈયારી હતી : પણ એને ભા'કુંભા ઉપર ભરેાસો બેઠો. પચીસ ઘોડે એ સરસાઈમાં ભા'કુંભાનો મહેમાન બન્યો.

સરસાઈ ગામના દરબારગઢમાં બે સામસામી દોઢી : એકમાં ભાયા મેરનો ઉતારો; અને બીજીમાં વીરા વાળાને ઉતારો. રોટલા ખાવાને વખતે એક પડખે ખાંટોની પંગત અને બીજે પડખે કાઠીઓની પંગત પડતી. વચ્ચે ઊભા ઊભા ભા' કુંભો હુકમ કરતા જાય કે “દૂધનાં બોઘરાં લાવો”, 'દહીંનાં દોણાં લાવેા', 'ઘીની તાંબડીઓ લાવો.' પોતે હાથમાં તાંબડી લઈને મહેમાનોને પીરસવા માંડે, હાકલા-પડકારા કરે, સામસામાં બટકાં લેવરાવે, ઘડી વાર ભાયા મેરની થાળીમાંથી કોળિયો લે, વળી ઘડી વાર વીરા વાળાના ભાત્રામાં બેસી જાય. મહેમાનોનાં હૈયામાં, આવી પરોણાગત દેખીને હેતપ્રીત માતી નહોતી. એમ કરતાં બે દિવસ વીત્યા. ભા'કુંભા શાની વાટ જોતા હશે ? ગોંડળથી કાંઈક આવવાનું હતું; પરોણાચાકરી હજુ અધૂરી હતી.