પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭

દુશ્મન


વીરા વાળાએ પોતાના લાડવામાંથી એક બટકું એને નાખ્યું. બટકું સૂંઘતાં જ બિલાડી ઢળી પડી. સમજાણું કે આ સોગંદ નહોતા, સાવધાની હતી.

“ભાયા ! મારા જીવનદાતા !”– એમ કહીને વીરા વાળાએ દોટ દીધી. ભાયા મેરને બથમાં ઘાલીને ભીંસ્યો. કોઠાની સામે જોઈને ચીસ નાખી : “વાહ, ભા' કુંભા ! વાહ ભાઈબંધ ! ભા' કુંભા ! કોઠો ઉઘાડીને જો તો ખરો ! દુશ્મન કેવા હોય છે - એ જોઈને પાવન થા, પાપિયા !”

તરત ભાયા મેરે એને વાર્યો : “વીરા વાળા ! એ બધી પછી વાત. એક વાર ઝટ ઘોડે ચડી જા !”

“ભાયા, તું હાલ્ય. જ્યાં તારા ઘોડાના ડાબા પડે ત્યાં હું વગર બોલ્યે સીમાડો કાઢી આપું. હાલો, ઝટ ઘોડાં પલાણો.”

અન્નદેવતાને બે હાથ જોડીને પગે લાગી બે શત્રુઓ ઘોડે ચડ્યા. બીલખામાં ભાયા મેરે માગ્યું તે મુજબ વીરા વાળાએ સીમાડો કાઢ્યો. બેય જણા જીવ્યા ત્યાં સુધી ભાઈબંધ રહ્યા.

[ભાયા મેરના મોત પછી ધીરે ધીરે ખાંટોએ પોતાની જમીન ઓઘડવાળાને ઘેર મંડાવી દીધી. અત્યારે બીલખાની પાસે ફકત વાઘણિયા નામનું એક જ ગામ વાઘા મેર નામના ખાંટે વસાવેલું મોજૂદ છે. બાકીનો બધો ગરાસ છૂટી ગયો છે.]