પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧

કાઠિયાણીની કટારી

ભમ્મર કાતરા, માથે મોટો ચોટલો, ડોકમાં માળા, અને અાંખમાં સતધર્મનાં તેજ જોઈ એ આદમીને પારખ્યો, પૂછ્યું:

“દેવીપુતર લાગો છો, બાપ !”

“હા, આઈ ! ચારણ સાં. ગજબ...”

“કાંઈ ફકર નહિ, ભા ! કાંઈ હથિયાર રાખો છો ?”

ચારણની કેડે કટાર ખેાસેલી હતી. ભેટમાંથી કાઢીને ચારણે આઈ ભણી લાંબી કરી. આઈએ તે ઉપાડી લઈને કહ્યું :

“રંગ તુને ! હવે મૂઠિયું વાળીને રાજપરાને રસ્તે વહેતો થા, અને કાઠીને વાવડ દે, બાકી તો જેવી સૂરજ ધણીની મરજી, મારા વીરા !”

ભેંસનું ખાડું રેઢું મેલીને ચારણે ડાંફો ભરવા માંડી.

વેલડું હાલ્યું. નદી વળોટી. ગામ વીંધ્યું. સામે કાંઠે ચડીને વહેતું થયું. ગામથી દોઢેક ખેતરવા પહોંચ્યું ત્યાં વાંસેથી ખેપટ ઊડતી ભાળી. જોતજોતામાં તો દસ દાઢીવાળા અસવારો લગોલગ આવી પહોંચ્યા. આઈ એ એના વોળાવિયાને ચેતવ્યા : “ખબરદાર! અધીરા થાશો નહિ !”

વોળાવિયાએાએ હાથમાં ઉગામેલાં ભાલાં પાછાં મૂકી દીધાં. તરવારોની મૂઠ પર પડેલા એમના પંજા પાછા ખેંચાઈ ગયા. આઈની આજ્ઞા સાંભળીને બેય કાઠીએાની ભ્રૂકુટિ સામસામી ખેંચાઈને ભેળી થઈ ગઈ અસવારોએ આવીને પડકાર કર્યો :

“વેલ્યુને પાછી વાળો, અટાણે નહિ હાલવા દેવાય; દરબારનો હુકમ છે. અહીં ચોર-લૂંટારાનો ભો છે.”

વેલડાનો પડદો ફરી ખસ્યો. કાઠિયાણીએ મોં મલકાવ્યું. ગલગોટા જેવું મોં મલકતાં તો ભીમડાદના અસવારો પીગળી ગયા. પોથીના લાલ લાલ રંગમાં રંગેલા એના દાંતની