પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩

રાઠોડ ધાધલ

પગમાં કાંબીઓ રણકતાં આવે છે. માથે મેાતીની ઈંઢોણી ઉપર ભાત લઈને ધા નાખતી કણબણ દોડી આવે છે. કુંજડી જેવી કળેળાટ કરતી એ આવી. એની છાતીમાં શ્વાસની ધમણ હાલી રહી છે. એનાથી બોલાતું નથી, તોય બેાલે છે કે 'એ બાપુ ! મારશો મા ! ચાર જ દી થયાં આણું વળીને આવી છું – લ્યો, આ મારાં પણ ઘરેણાં–” બોલતી બોલતી બેટડી હાંફી રહી.

“જોગીદાસ ખુમાણ ખોઈ સોતા બાઈ તરફ વળ્યા, ને કહ્યું : “કાઢ્ય, સટ સટ કાઢ્ય !”

“લ્યો, બાપુ, કાઢી દઉં, એકેએક કાઢી દઉં.”

“ઘરેણાં ટપોટપ જોગીદાસ ખુમાણની ખોઈમાં પડવા મડ્યાં. પોતાના ધણી સામું જોતી, મારી બરછી સામું જોતી, ઘરેણાં કાઢતી કાઢતી કણબણ મને કહેતી જાય કે, “બાપુ, હજી કહો તો બીજા મારે ઘેરથી લાવી આપું. મારાં માવતરને ઘરે સારું છે. મને પટારો ભરીને કરિયાવર કર્યો છે. તમે કહો તો ઈ બધુંય લાવી આપું ! અમારી જોડલી ખંડશેા મા. બાપુ, ચાર દી થયાં–”

“ખેાડાભાઈ ! મારા હાથમાંથી બરછી છૂટી ગઈ કેમ કરતાં છૂટી ગઈ ? – ઈશ્વરને ખબર ! બરછી છૂટી ગઈ. કણબીની છાતી સોંસરી ગઈ. કણબી પડ્યો. કણબણે ચીસ પાડી. પડખે કોદાળી પડી હતી તે એણે બે હાથે ઉપાડી – ધડૂસ ! ધડૂસ ! પોતાના કપાળમાં એ કોદાળીના ઘા કરવા લાગી, એના મોઢા ઉપર લોહીના રેગાડા ચાલ્યા. માથાની લટો લેાહીથી ભીંજાણી. આંખો લેાહીમાં ડૂબી ગઈ. ધડૂસ ! ધડૂસ ! ધડૂસ !

“ખોડાભાઈ ! હું જોઈ રહ્યો. મારું માથું ભમવા માંડ્યું. મારા હાથ મે આંખો ઉપર દાબી દીધા. જોગીદાસ ખુમાણ