પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫

રાઠોડ ધાધલ


સંવત ૧૯૧પનું વરસ હતું. આપા રાઠોડની અવસ્થા બરાબર એંશી વરસની હતી. ત્રણે દીકરા પરગામ ગયા હતા. સનાળીમાં રાઠોડ ધાધલ એકલા હતા. કાળો ઉનાળો સળગી રહ્યો હતો. ઝાંઝવાનાં માયાવી નીર ઠગારી આશા જેવાં ગામની ચારે દિશામાં ભરપૂર ચાલ્યાં જતાં હતાં. રાઠોડ ધાધલે પ્રાગજી મહારાજ નામના બ્રાહ્મણના હાથે પોતાના નવાં મકાનનો પાયો નખાવ્યો. બીજે દિવસે જીવણ મહારાજ નામના એક બીજા એાળખીતા ગોર આવી ચડ્યા. બ્રાહ્મણની વૃત્તિમાં કેટલો બધો લોભ છે ! જીવણ મહારાજે આપાને સમજાવીને પાયો ફેરવ્યો. અમંગળ ગણાયું.

બીજે દિવસે સવારે ભાતલું ખાઈને એંશી વરસના આપો સીમમાં આંટો દેવા ચાલ્યા તે વખતે ખોડાભાઈ ચારણનો દસ વરસને દીકરો મુંજભાઈ આપાની આંગળીએ વળગીને ભેળો ગયેા હતો. દોઢ પહોર દિવસ ચડ્યો હશે ત્યારે આપો ગામમાં આવ્યા; આવીને ગામમાં મોતીચંદ તુળસી નામના શેઠની દુકાને પોરો ખાવા બેઠા. ઉનાળાનો તડકો, પૂરી અવસ્થા અને વળી ખાઈને નીકળેલા એટલે તરસ બહુ લાગી હતી. મોતીચંદ શેઠને પાણી લાવવા કહ્યું. ગામડાગામમાં વાણિયાનાં ઘર અને દુકાન આઘેરાં નથી હોતાં, સાથે જ હોય છે. મોતીચંદ શેઠે પોતાની દસ વરસની દીકરી મૂળીને કળશિયો માંજીને ટાઢું પાણી લાવવા કહ્યું. મૂળીએ કળશિયાને મોઢું દેખાય તેવો ઊજળો ઊટકીને પાણી ભર્યું. જ્યાં પાણી દેવા પગ ઉપાડે ત્યાં ગામને પાદર રીડ થઈ: “દોડજો, દોડજો, બે રજપૂતો ઝડ કરીને જાય ! ઝડ કરીને જાય !”