પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૧૧૬


"મારો ગામને પાદર ઝડ! અરે, ઝડ નહિ, મારો કાળ !” એટલું બોલતાં રાઠોડ ધાધલ ઊભા થઈ ગયા.

મોતીચંદ કહે : “ બાપુ ! આ પાણી !”

”હવે પાણી પીશું આવતે અવતાર !” – એ વેણ સંભળાણું-ન-સંભળાણું ત્યાં રાઠોડ ધાધલ દોડીને ડેલીએ પહેાંચ્યા. હાકલ કરી : “આમદ ગેારી, બેરી માથે ઝટ પલાણ માંડ્ય.”

બેરી રાઠોડ ધાધલની ઘેાડી : પોણા ત્રણ વરસની કાયા : ફક્ત દૂધભેર રાખેલી : ઈંડાં જેવી : સાડાચૌદના માપવાળી : ગૂંથેલી કેશવાળી : નાની નાની કાનસૂરી : અને સેાટી જેવા ગૂડા : બેરીને માથે કાઠું નાખીને છોકરો ઓરડામાંથી બહાર કાઢવા જાય છે પણ બેરી પાછી હટે છે. છોકરો કહે : “બાપુ ! બેરી હટે છે.”

બેરી હટે છે ! જે વખતે ઘડીએ ઘડી, પળે પળ અને છાતીના ધબકારા પણ ગણાતા હોય, શત્રુઓને અને રાઠોડને છેટું પડતું હોય, તે વખતે બેરી હટે છે ! રાઠોડ ધાધલની આંખમાં સડ સડ સડ અંગારા મુકાણા. આમદ ગોરી ઊભો ઊભો જુએ છે કે બેરી શા માટે હટે છે : એના કાઠાની મૂંડકી ખડકીના ઠેલની સાથે ભટકાતી હતી. પણ એ વખતે રૌદ્રરૂપધારી રાઠોડને કોણ કહે ?

બુઢ્ઢાએ પોતાના હાથમાં પરાણો લીધો, અંદર જઈને બેરીના તરિંગ ઉપર બે પરોણા ઝીક્યા. બેરીને માથે એ પરોણા ન પડ્યા, પણ આભ તૂટી પડ્યો ! એ છાતી તો એક રાઠોડ ધાધલની જ હાલે ! ઠેકીને બેરી બહાર નીકળી. કાઠાની મૂડકી “ફડાક” કરતી નેાખી જઈ પડી. બેરી જાગી ગઈ. એનું આખું શરીર ધ્રુજી ઊઠ્યું. એ આકાશમાં ઠેકવા લાગી. એનાં નાખોરાં શરણાઈનાં છોડાંની જેમ ફૂલી ગયાં.