પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૧૨૦

બેરી બેય અસવારોની વચ્ચે થઈને જરાક આગળ નીકળી ગઈ.

'હે તોહેં ઘોડા લઉ જાય, હે ઘોડાં લઉ જાય !' કરતાં કરતાં આપાએ બેરીની વાગ (લગામ) ખેંચી. બેરીને પાછી વાળવા લગામ ડોંચી. ત્યાં તો તડ! તડ ! લગામના બેય વાઘિયા તૂટી પડ્યા. રાઠોડ ધાધલનો છેલ્લો આધાર ગયો. 'રાખુ દીના, બાપ બેરી ! રણમાં રાખુ દીના ! બેટા, રાત રાખુ દીના ! દીના !' કરતાં કરતાં એણે ઝપાટાભેર ઘેાડીનો મોરડો ઝાલી લીધો, પેંગડા ઉપર ટટ્ટાર ઊભો થઈ ગયો, બરછીને આંગળાં પર ચક્કર ચડાવી. બૂડી અને ફણું જાણે ચક્કર ખાતાં ખાતાં એક થઈ ગયાં – જાણે આંગળી પર સુદર્શન ચક્ર ફરી રહ્યું છે. પેગડામાં ઉભા થઈને એણે બરછીનો ઘા કર્યો. બરાબર દુશ્મનની છાતીમાં નેાંધીને આપાએ બરછી નાખી, પણ એની વૃદ્ધ, થાકેલી, તરસથી અંધારે ઘેરાયેલી આંખો નિશાન ભૂલી. ગણતરીમાં થોડે જ ફેર પડ્યો; વીરાજી નામનો શત્રુ ખસી ગયો તેથી રાઠોડની બરછી એની છાતી ચૂકી ગઈ પણ જમણા હાથની ભુજાને વીંધી ધ્રોપટ સેાંસરવી નીકળી ગઈ.

વીરાજીએ પોતાના ભેરુને બૂમ પાડી : “હવે શું જોઈ રહ્યો છે ? આપણા તો રામરામ !”

બીજા શત્રુએ બેરીની આંખમાં નોંધીને પડધિયાવાળું મોરબીનું ભાલું ઝીક્યું ભાલું ખૂંતી ગયું. લાકડી તૂટી ગઈ. ભાલું બેરીની આંખમાં જ રહ્યું. બેરી ચક્કર ખાઈને નીચે પડી. ડોસો કોઈ વીસ વરસના જુવાનની જેમ કુદીને આઘો ઊભો થઈ ગયો. ફરીને ' રાખુ દીના, બાપ બેરી ! રાખ દીના !' કરતા ડોસો ઘોડીનો મોરો પકડી ચૂક્યો.