પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩

કાઠિયાણીની કટારી

રૂપ ઢોળવા લાગી.

“આવો ને અંદર !” એટલાં જ વેણ એના પરવાળા જેવા હોઠમાંથી ટહુક્યાં, નેણ ઊછળ્યાં ! વોળાવિયા કાઠીઓનાં માથાં જાણે ફાટી પડ્યા. ખોખરો ઘોડેથી ઊતરીને વેલ્યમાં ચડવા ગયો, કેડ સુધી અંદર દાખલ થયો. હાથ પહોળાવીને માશુકને છાતીએ ચાંપવાની જ વાર હતી: એક જ વેંતનું અંતર હતું : ત્યાં તો ભોંણમાંથી ફૂંફાડો મારીને કાળી નાગણી છૂટે તેમ સજુબાના હાથમાંથી કટારી છૂટી. ખોખરાની ઢાલ જેવડી છાતીમાં છેક કલેજા સુધી એ કટારી ઊતરી ગઈ. ઘડી પહેલાંની કામણગારી કાઠિયાણીએ ચંડીનું રૂપ ધર્યું. ગોઠણભર થઈને એ દૈત્યની છાતી ઉપર ચડી બેઠી. દાંત ભીસીભીસીને કટારી ઉપર જોર કરવા લાગી. ખોખરાની પહોળી ગરદનમાંથી એટલો જ અવાજ નીકળ્યો : “ દગા ! દગા ! દગા !”

સિંહણ ત્રાડ દે તેમ સજુબાએ ચીસ પાડી : “તૂટી પડો ! કટકેાય મેલશો મા ! ”

વેલ્યમાં ખોખરાનાં આંતરડાંનો રાતોચોળ ઢગલો થયો; બહાર ખોખરાના સિપાઈ અને કાઠીઓ વચ્ચે ધીંગાણું મચ્યું. કાઠી બચ્ચાઓએ તરવાર ખેંચીને સબોસબ ઝીંક બોલાવવા માંડી. તાશેરો કરનાર સિપાઈઓ મર્યા, બાકીના ઘાયલ થયા. કેટલાક ભાગ્યા. કાઠીએાના પણ કટકેકટકા ઊડી ગયા.

અંધારાં ઘેરાતાં હતાં. કાઠિયાણીની લોહિયાળી કટાર ચાંદરડાંને અજવાળે તબકતી હતી. ત્યાં તો ચારણ અને હાથિયા ધાધલની વહાર આવી પહોંચી. લોહીમાં રંગાયેલી કાઠિયાણીને જોઈને કાઠીની છાતી ઉપર પાસાબંધી કોડિયાની કસો તૂટવા લાગી. વેલડું રાજપરે પહોંચ્યું. મધરાતે ચંડિકા