પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૧૨૮

રાબ-છાશે ભારે ડાહ્યાં દેખાય છે.”

“આપા ભાણનાં ભાગ્ય ચડિયાતાં છે.” બીજાએ મૂછો ઊંચી રાખીને તાંસળીમાંથી દૂધ પીતાં પીતાં ઉમેરો કર્યો.

“હા બા ! ભાગ્ય તો ખરાં !” આપા ભાણ મરકતા મરકતા બોલ્યા, “પણ આવા રૂડા રોટલાની મીઠાશ માણવાના દૂધિયા દાંત હવે ક્યાં લેવા જાય ? નાનડિયાંને કાંઈ ખબર છે કે બોખાને આવા કડકડિયા રોટલા ખાતાં પેઢામાં કેવી બળતરા હાલતી હશે ? રોટલાની રૂડપ જોઈને હવે આંખ્યું ધરવવી રહી, બા ! પણ હોજરીની આગ એમ રોટલા જોયે કાંઈ ઓલાય છે ? હશે, જેવી સૂરજની મરજી ! બીજુ શું થાય ?”

મર્મનાં વેણ કહેતાં તો કાઠીને એની જનેતાએ ગળથુથીમાં જ પાઈ દીધું છે. આપો ભાણ સમજ્યા કે જોબનવંતી આઈને આજ બરછી જેવાં મર્મબાણ મારીને વીધ્યાં છે એટલે હવે તે પૂરી કાળજીથી ભાણું સાચવશે.

રાત પડી. ડેલીએ ડાયરો વીખાણો. દરબાર ઊઠીને સૂવાને ઓરડે ગયા. આઈ બેઠાં હતાં. પણ ગઈ કાલના ભર્યા ગાલમાં આજ એને ખાડા દેખાયા. આપાએ પૂછ્યું:

“ કાં ? કેમ વહેલું વહેલું એક દિવસમાં ગઢપણ વરતાય છે ?”

આઈએ મોં મલકાવ્યું. હોઠ પહોળા થયા, ત્યાં તો આપા બોલી ઊઠ્યા : “અરરર ! કાઠિયાણી ! આ શું ? મોઢામાંથી બત્રીસે દાડમકળિયું ક્યાં ગઈ?”

“પાડી નાખી !” આઈ એ હસીને જવાબ દીધો, રાતા રાતા હોઠની વચ્ચે કાળું ઘોર અંધારું દેખાણું.

“પાડી નાખી ? કાળો કોપ કર્યો ! પણ શા સારુ ?”

“બોખાંની પીડા સમજવા સારુ !”