પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧

મહેમાની

ખોરડાને ફજેત કરતો ગયો. ભાણ ખાચર ખિજાયા : “બાપડો એક ગામડીનો ધણી મારી આબરૂ ઉપર હાથ નાખી ગયો !” એટલું બોલીને એણે વેર લેવાનો વિચાર કર્યો. પણ કાંઈ માથાં વાઢ્યે એવાં વેર થોડાં વળે છે ? તલવારનાં વેર તલવારથી લેવાય અને રોટલાનાં વેર રોટલાથી !

ચીતરે કરપડે ઘેર જઈને પોતાની કાઠિયાણીને ચેતાવી દીધી : “ધ્યાન રાખજે, ભાણ ખાચર નાક કાપવા આવશે. લાખ વાતેય આવ્યા વિના નહિ રહે.”

બાઈ કહે : “ફિકર નહિ.”

તે દિવસથી રોજેરોજ ગામના કાઠીઓના ઘેરેઘેરે ચૂલામાં અગ્નિ તૈયાર જ રહે. દહીંનાં પેડાં, દૂધના દોણાં, દળેલી સાકર અને ચૂલે મૂકવાના ચોખા તૈયાર રહે. સાજણી[૧] ભેંસો પણ હાજર રાખે, અને ચીતરો કરપડો પણ ફેરો કરવા જાય ત્યારે સાકર-ચોખા સિવાય બીજું કાંઈ લુંટે નહિ.

એક વાર ચીતરો ફેરે ચાલ્યો: કહેતો ગયો : “ભાણ ખાચર આવે તો મારા આવતાં પહેલાં રજા દેશો નહિ.”

બીજે દિવસે બરાબર મધ્યાહૂને ભાણ ખાચરે એકસો ઘોડે આવીને પૂછ્યું : “આપો ચીતરો છે ઘેરે ?”

ઓરડેથી આઈએ કહેરાવ્યું : “કાઠી તો ઘરે નથી, પણ કાંઈ ઘર હાર્યે લેતા નથી ગયા. ભાણ ખાચર જો જાય તો એને સૂરજ દેવળની આણ છે !”

ભાણ ખાચરને તો એટલું જ જોતું હતું. કાઠીઓએ આવીને સોયે અસવારોનાં ઘોડાં ગામમાં ઘેર ઘેર બાંધી

લીધાં, લીલાછમ બાજરાનાં જોગાણ ચડાવી દીધાં, કસૂંબો


  1. **સવારે અને સાંજે તો ભેંસો દોહવાં આપે, પણ બપોરના અને મધરાત જેવે કટાણે દૂધની જરૂર પડે તેટલા માટે જ અમુક ભેંસોને સવાર- સાંજ ન દોહતાં બપોરે અને મધરાતે દોહે તેને 'સાજણિયું ' કહેવાય.