પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
ધણીની નિંદા !

ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં છાનામાના વાવડ મળ્યા કે ભડલીની કાઠિયાણીઓ સમાણું દેવીને દર્શને આવી છે. ભારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું : “એલા ! કોના ઘરનાં ?”

“બાપુ ! ભેાજ ખાચરનાં પડનાં જ ઘરવાળાં.”

મૂછો ઉપર હાથ દઈને વાઘેલા રાજા બેઠો થઈ ગયો. એણે આજ્ઞા કરી : “ઘોડાં ! ઘોડાં ! ઘોડાં સાબદાં કરો ! આજ કાઠીએાનેય ખબર પાડીએ કે રજપૂતોનાં વેલડાં લૂંટતાં કેટલી વીસે સો થાય છે. ભેાજ ખાચરના ઘરની આઈઓ તે મારી મા-બહેનો છે. હું રજપૂત છું. પણ મારે આજ તો આ ફાટેલ કાઠી ડાયરાને અનીતિના મારગ છંડાવી દેવા છે.”

ભારોજી રાજ ચડ્યો. સમાણીના થાનકમાં કાઠિયાણીઓને ખબર પડ્યા કે વાઘેલા રાજા એાજણાં વાળવા આવે છે. કુંજડીઓની માફક કાઠિયાણીઓના કળેળાટ બોલ્યા. અબળાએાને એકેય દિશા સૂઝતી નથી. એણે ચારે દિશામાં આકુળવ્યાકુળ નજર નેાંધી. સામે એક ગામડું દેખાણું: પૂછ્યું : “ભાઈઓ, કયું ગામ ?”

“ઉતેળિયું.” ગાડાખેડુએાએ કહ્યું.

“કોનું ગામ ?”

“વાઘેલાનું, આઈ! એ બધા પણ ભારાજીના ભાયાત

થાય છે. ”

૧૩૫