પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧

હનુભાઈ

અધમણ ભારના સાંઠાને છોલવા મંડ્યા. પાશેર પાશેર ભારનાં માદળિયાંની ઢગલીઓ આખી પંગતમાં ખડકાવા માંડી; અને છરા જેવા દાંતવાળા પહેલવાન કાઠીઓ, પોતાના મોઢામાં કેમ જાણે ચિચેાડા ફરતા હોય તેમ, ચસક ચસક એ પતીકાંને ભીંસી ભીંસી ચૂસવા લાગ્યા. અમૃત રસના ઘૂંટડા પીતી પીતી કેમ જાણે દેવ-દાનવોની સભા બેસી ગઈ હોય એવી મેાજ આજ લાઠીના વાઢમાં જામી પડી હતી.

“વાહ લાખાજી ! શેરડી તો ભારે મીઠી !” દરબાર શેલા ખાચરે વખાણ શરૂ કર્યા.

લાખાજીએ વખાણને ઝીલીને જવાબ આપ્યો : “ હા, બા ! મીઠપ ઠીક છે. ભગવાનની દયાથી અમારી વસ્તી ઠીક કામે છે. ”

ત્યાં કાઠી-ડાયરામાંથી એક બીજા ગલઢેરાએ સાદ પૂર્યો : “બા, આથી તો પછેં ગળપણનો આડો આંક આવી ગયો હો ! અમૃતના રોગા ઘૂંટડા ઊતરે છે.”

“ હા, બા !” ફરી વાર લાખાજીએ કાઠીઓની તારીફ સ્વીકારી. “તમ જેવા ભાઈઓની દયામાયા, કે લાઠીના લોક બાપડાં મહેનત કરીને ગદર્યે જાય છે.”

પણ લાખાજીના હોઠ મરકતા હતા. એને મર્મના બોલ બોલવાની બૂરી આદત હતી, તેથી હમણાં કંઈક બરછી જેવા બોલ છૂટશે એવી ધાસ્તી લાગવાથી શેલા ખાચરે પોતાના કાઠીઓ તરફ મિચકારો તો ઘણોય માર્યો, છતાં રંગે ચઢેલો કાઠી-ડાયરો અબોલ રહી શકે તેવું નહોતું. ત્રીજો કાઠી તાનમાં બોલી ઊઠ્યો : “ ભણેં, બા લાખાજી ! આવડી બધી મીઠપ આણવાનો કારસો તો બતાવો ! આવો રૂડો ખાતર તે કાણાનો નાખ્યો છે તમે?”