પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩

હનુભાઈ


મારુ, માટીવટ તણું, બળ દાખછ બળ ફોડ્ય,
કાઠી ચારે કોર, (વચ્ચે) લાઠી લાખણશિયડા !

હે મારવાડમાંથી આવેલા ગોહિલ કુળના જાયા લાખાજી ગોહિલ, મોટા મરદોનું જોર તેં તોડ્યું છે, અને તારું માટીપણું (પુરુષત્વ) પણ તું અન્યને દેખાડી રહ્યો છે. ચારે બાજુ કાઠી છે, અને વચ્ચે તારી લાઠી સુરક્ષિત ખડી છે.

એ જોરાવર લાખાજીના લોહીમાંથી હનુભાઈ નામનો દીકરો પાક્યો. હનુભાઈ ફટાયા હોવાથી જિવાઈમાં લીંબડા નામનું ગામ લઈને લાઠીની ગાદીએથી ઊતર્યા.

એની બરછીની સાધના જબરી હતી. પીઠા ચાંદસૂર નામને ઘોબા ગામનો એક કાઠી ગલઢેરો પોતાના એકસો ઘોડેસવારને લઈને ચડતો ને ચોમેર હાક બેાલાવતો. પણ હનુભાઈ કહેતા : “જો મારી સીમમાં પીઠો ચાંદસૂર પગ મેલે તો જેટલી જમીનમાં હેમખેમ એનાં ઘોડાં ફરી જાય તેટલી જમીન હું દાનમાં દઈ દઉં.”

આવાં કડક વેણ તો રણકાર કરતાં પીઠા ચાંદસૂરને કાને પહોંચ્યાં. મૂછોને ત્રણ વળ દઈને પીઠો લીંબડા લૂંટવા આવ્યો : પણ લાગ દેખીને અચાનક આવ્યો. આવીને સીમમાંથી માલ વાળ્યો. હનુભાઈને પોતાનાં વેણ તો સ્વપ્નેય સાંભરતાં નહોતાં, એટલે એણે ગફલતમાં પોતાનાં બધાં ઘોડાં બહાર મોકલી ફક્ત પાંચ જ અસવાર લીંબડે રાખ્યા હતા. આજ લીંબડા લૂંટાયાની એને જાણ થઈ એટલે ચાર આયર અને ભગા ભૂતૈયા નામના સરદારને લઈ હનુભાઈ પીઠાની પાછળ ગાયોની વહારે ચડ્યા.

લીંબડાથી અઢી ગાઉ ઉપર, લાખાવાડ ગામને સીમાડે, ડુંગરાની સાંકળી નાળ્યમાં, દુશ્મનો સાથે ભેટા થયા, પણ શત્રુ પાસે જાડાં માણસો હતાં. એ ધીંગાણામાં હનુભાઈના