પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૪૮

સૌરાષ્ટ્રની ૨સધા૨: ૩

મહારાજના સપાઈનાં છોકરાં પેાંક વિના રેતાં'તાં, તે સો વીઘાંના ખેતરનો બાજરો ભેળી દીધો !”

વજેસંગજી મહારાજને બધી હકીકતની જાણ થઈ. આખી કચેરી હસી પડી. મહારાજનો રોષ ઊતરી ગયો પણ મોં મલકાવીને એમણે કહ્યું : “ભલા આદમી ! પચીસ કળશીને સાટે ત્રણસો કળશી બાજરો ભરી જવાય ?”

વીકોભાઈ કહે : “બાપુ, ઓલ્યા ખેડૂતને અક્કેક આંસુડે સો સો કળશી ભર્યો છે. ખેડુ વધુ રોયો હોત તો તેટલો વધુ બાજરો લેવો પડત.”

“સાચું! સાચું ! ખેડુનાં આંસુ તો સાચાં મોતી કહેવાય. રંગ છે તમને, કુંવર !” મહારાજાએ કુંવરની પીઠ થાબડી, રોકીને મહામૂલી પરોણાગત કરી.

બપોરે મહારાજના કુંવર જસુભા અને હનુભાઈ ચોપાટે રમવા બેઠા. રમતાં રમતાં જસુભાની એક પાકી સોગઠી ઢિબાઈ ગઈ. કુંવરે જસુભાની અાંગળી જોરથી દાબી કહ્યું: “યુવરાજ! અત્યારે તો અમારા – લાઠી ભાયાતોના – ગરાસ પૈસા આપી આપીને બાપુ માંડી લ્યે છે, પણ યાદ રાખજો, જેમ બાજરો કઢાવ્યો છે તેમ અમે એ બધાં ગામ પાછાં કઢાવશું, હો !”

જસુભાની આંગળી એટલા જોરથી ભીંસાણી કે લોહીનો ટશિયો નીકળ્યો. એને જઈને બાપુને વાત કરી. ચતુર મહારાજ ચેતી ગયા કે મારો દેહ પડ્યા પછી કુંવર અા છોકરાએાને ગરાસ ખાવા નથી દેવાનો. પણ એ ટાણે તો મહારાજ વાતને પી ગયા.

એક દિવસ મહારાજ શિકારે નીકળ્યા છે; આઘે આઘે નીકળી ગયા. થડમાં જ હનુભાઈનું લીંબડા દેખાતું હતું.