પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯

હનુભાઈ

લીંબડાની દિશામાં બાવળનું એક ઝાડ હતું; બાકી, આખું ખેતર સપાટ હતું. મહારાજે મર્મવાણી ઉચ્ચારી :

“જેઠા ગોવાળિયા, મેરામ ગોવાળિયા, આખા ખેતર વચ્ચે એક ઠુંઠું ઊભું છે તે બહુ નડે છે, હો !”

“ફિકર નહિ, બાપુ! કાઢી નાખશું.” એવો માર્મિક જવાબ ગોવાળિયાઓએ વાળી દીધો. આ જેઠો અને મેરામ બાપ-દીકરા હતા. કાઠી હતા. ગોવાળિયા એની સાખ હતી. જોરાવર હતા. ભાવનગરના અમીરો હતા. હનુભાઈ ઉપર મહારાજથી તો હાથ ન થાય એટલે એમણે આ કામ ગોવાળિયા કાઠીએાને ભળાવી દીધું.

મહારાજ ઘેર આવ્યા. ફરી વાર બેાલ્યા : “ગોવાળિયાઓ, મારા વાંસામાં ડાભોળિયું ખૂચે છે, હો !”

તુરત ચાકરો દોડીને પૂછવા મંડ્યા : “ક્યાં છે, બાપુ ? લાવો, કાઢી નાખીએ.”

મહારાજ કહે : “ભા, તમે આઘા રહો. તમારું એ કામ નથી.”

ગોવાળિયા બોલ્યા : “બાપુ, ડાભોળિયું તો કાઢી નાખીએ, પણ પછી રે'વું ક્યાં ?”

“બાપ, હું જીવું છું ત્યાં લગી તો ભાવનગરના પેટમાં.”

ગોવાળિયાને ખબર હતી કે હનુભાઈની ઉપર હાથ ઉપાડ્યે કાઠિયાવાડ હલમલી ઊઠશે, અને ક્યાંય જીવવા નહિ આપે. પણ મહારાજે ભાવનગરનું અભયવચન આપ્યું. ઘાટ ઘડાણો.

જેઠા ગોવાળિયાએ કહ્યું : “પણ, મેરામ, હનુભાઈની હારે બેસીને તો સામસામી કસૂંબાની અંજળિયું પીધી છે, ભાઈબંધીના સોગંદ લીધા છે, અને હવે કેમ કરશું ? મહારાજની પાસેય બેાલે બંધાણા !”