પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૧૫૦


“બાપુ ! એક રસ્તો સૂઝે છે. ખીજડિયાવાળા લાઠીભાયાતોની સાથે હનુભાઈને મોટું મનદુઃખ છે. આપણે લીંબડા ઉપર ન જવાય, પણ ખીજડિયાનો માલ વાળીએ; હનુભાઈ કાંઈ ખીજડિયાવાળા સારુ ચડવાના નથી. એટલે મહારાજને કહેવા થાશે કે, “શું કરીએ, હનુભાઈ બહાર જ ન નીકળ્યો ! આમ પેચ કરીએ તો સહુનાં મોઢાં ઊજળાં રહે એવું છે.”

ત્રણ દિવસ થયાં હનુભાઈ ડેલીએ ડાયરાની સાથે કસુંબા લેવા આવતા નથી. કોઈ પૂછે, તો રાણીવાસમાંથી જવાબ મળે છે કે કુંવર લાઠી પધાર્યા છે; પણ વાત જૂઠી હતી. સાવજને સાંકળીને પાંજરે નાખ્યો હતો. ત્રણ દિવસ પહેલાં પછેગામના કોઈ જોષી આવેલા. એણે ભવિષ્ય ભાખ્યું હતું કે, “ આ ત્રણ દિવસમાં તમારે માથે ઘાત છે માટે બહાર નીકળશો મા !”

હનુભાઈ બોલ્યા : “ભટજી ! હું હનુભાઈ ! મોતથી બીને હું રાણીવાસમાં પેસી જાઉં ? ડાયરામાં બેઠા વિના મારે ગળે કસૂંબો શેં ઊતરે ?”

પણ રાણી કાલાવાલા કરવા લાગ્યાં : “ત્રણ દિવસ દેખી-પેખીને શીદ બહાર જવું ? ધીંગાણાનો ગેાકીરો થાય તે ટાણે હું આડી ન ફરું, મારા લોહીનો ચાંદલો કરીને વળામણાં આપું. હુંય રજપૂતાણી છું. પણ ઠાલા ઠાલા જોષીનાં વેણને શીદ ઠેલવાં? અમારા ચૂડા સામું તો જરા જુઓ !”

કુંવરનું હૈયું પીગળી ગયું. છાનામાના એ ગઢમાં કેદ બનીને પડ્યા રહ્યા.

આજ એ કાળ-દિવસમાંથી છેલ્લો દિવસ છે. સાંજ ૫ડશે એટલે કુંવરની બેડીઓ તુટશે. કેદમાં પડેલો ગુનેગાર પોતાના છુટકારાની છેલ્લી સાંજની વાટ જોઈ રહ્યો હોય. તેમ,