પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૧૫૬

તેમ આખરે કાઠીઓએ એક હનુને ઢાળી દીધો. મરતાં મરતાં કુંવરે આંખોની પાંપણોને પલકારે દોસ્તોને છેલ્લા રામરામ કીધા. કાઠીએાએ કુંવરના મોંમાં અંજલિ ભરીને પાણી રેડ્યું. હનુભાઈના મરશિયા જોડાણા :

કાલીરે સર કુંભ કેતા દી ?
ખત્રવટ ન છોડતો ખનુ,
રાજે વરસ, ત્રીસ લગ રાખ્યો,
હોળીરો, નાળેર હનુ.

કાલીઘેલી નારીને માથે પાણીનો ઘડો કેટલા દિવસ સાજો રહે ? એમ હનુભાઈના ધડ ઉપર માથું પણ કેટલો વખત ટકી શકે ? ત્રીસ વરસ સુધી હનુભાઈને ભગવાને જીવતો રાખ્યો તે તો હોળીનું નાળિયેર બનવાને માટે જ.

અધપતિયાં હૂતો મન આજો,
સૂરા વરસ ના જીવે સાઠ,
લોઢે લીટ મરે લાખાણી,
ગેાયલ તણી પટોળે ગાંઠ.

શૂરવીરો કાંઈ સાઠ સાઠ વરસ સુધી જીવે ? એને તો જુવાનીમાં જ મોત શોભે. લાખાજીનો દીકરો હનુભાઈ તો હમેશાં લોઢામાં લીટી જેવો નિશ્ચય કરીને જ મરે; એ લીટો જેમ ન ભૂસાય, તેમ હનુભાઈની પ્રતિજ્ઞા પણ કદી ન લોપાય, ગોહિલોની પ્રતિજ્ઞા તો પટોળાંની ગાંઠ જેવી, એ કાપડગાંઠ જેમ ન છૂટે તેમ ગોહિલોની પ્રતિજ્ઞા પણ ન તૂટે.

બકે હનુ એમ કર બોલ્યો,
અવળા પગ ભરુ કેમ આજ ?
જનારા પગ લંગાર જડાણા,
(મારે) લાઠી તણા તખતરી લાજ,

તાડૂકીને હનુભાઈ દુશ્મનોની સામે બોલ્યો કે હું પાછો પગ કેવી રીતે માંડી શકું ? હું તો જૂનાગઢ જેવો અટંકી રાજનો ભાણેજ