પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧

કાનિયો ઝાંપડો

પાડેર પડ્યો અને અંધારામાં મિયાણા આકુળવ્યાકુળ થયા. મનમાં લાગ્યું કે ઝાંપામાં કોણ જાણે કેટલા જોદ્ધા બેઠા હશે. ગેાકીરો પણ કાળા ગજબનો થઈ પડ્યો. પથરા છૂટ્યા. મિયાણાએાની જામગરીઓ બંદૂકોના કાનમાં ચંપાવા લાગી. ભડાકા થયા. પણ ગોળીઓ ઠણણણ દેતી ગાડા સાથે ભટકાઈને ભેાંયે પડવા માંડી. તોય એ તો મિયાણાની બંદૂકો ! કંઈકને ઘાયલ કરીને લખા પાડેરની લાશ લેતા કે મિયાણા ૨વાના થયા.

ઝાંપા ઉપર તો રંગ દાખી દીધો. પણ કાનિયો ઢોલી ગેાતે છે કે, 'આપો શાદુળ કયાં ?' ઝાંપે ડંકતા ડંકતા જે ઘાયલો પડ્યા હતા તે કહે : “કાનિયા ! આપા શાદૂળને ગેાત, એને બચાવજે.”

કાનિયો ઢોલી ધણીને ગોતવા લાગ્યો.

હાથમાં ઉઘાડી તલવાર લઈને આપો શાદૂળ ગઢની રાંગે રાંગે અંદરથી તપાસતા તપાસતા ચાલ્યા જાય છે. બીજું કોઈ આદમી એની પાસે નથી. એને ફડકેા હતેા કે ક્યાંક શત્રુઓ ગઢ ઉપરથી ઠેકીને ગામમાં પેસી જાશે.

મિયાણા પણ બહારને રસ્તે બરાબર ગઢની રાંગે રાંગે ચાલ્યા જતા હતા, એવામાં તેઓએ ગઢની દીવાલમાં એક નાનકડું ગરનાળું દીઠું. લાગ જોઈને મિયાણા અંદર પેસવા લાગ્યા, અને પડખે હાડકાંનો એક મોટો નળો પડ્યો હતો, એ ઉપાડીને મિયાણાએ આપા શાદૂળને માથે ઝીંક્યો. મિયાણાના પ્રચંડ ઘાએ આપો શાદૂળ બેહોશ બનીને ધરતી ઉપર ઢળી પડ્યા.

પણ ત્યાં તો ' ધડ ! ધડ ! ધડ ! ! ' – એમ કોણ જાણે એકસામટી કેટલી તલવારના ઝાટકા મિયાણાઓને માથે તૂટી પડ્યા. ભૂતનાથના ભેરવ જેવા કદાવર અને ખૂની મિયાણા, મોટા પહાડને માથેથી પથરા પડે તેમ ધરતી