પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૧૭૮

હોય. એટલે શી રીતે જવાય? પછી સૂઝ્યું ગોખેથી ટૌકો કરતો જાઉં !”

“હેં ભાઈ ! ગાંફના કાંઈ વાવડ છે ?”

“ના. બા ! કેમ પૂછ્યું ? વીવાએ કોઈ નથી આવ્યું ?”

રાણી જવાબ વાળી ન શક્યાં. હૈયું ભરાઈ આવ્યું. ટપ ટપ આંખોમાંથી પાણી પડવા લાગ્યાં. ચમાર કહે : "અરે, બા ! બાપ ! ખમ્મા તમને, કાં કોચવાવ ?”

“ભાઈ ! અટાણે કુંવરને પે'રામણીનો વખત છે. પણ ગાંફનું કોઈ નથી આવ્યું. એક કોરીય મામેરાની નથી મોકલી. અને મારે માથે મે'ણાંના મે વરસે છે. મારા પિયરમાં તે શું બધાં મરી ખૂટ્યાં ?”

“કોઈ નથી આવ્યું ?” ચમારે અજાયબ બનીને પૂછ્યું.

“ના બાપ! તારા વિના કોઈ નહિ.”

ચમારના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બનીને રેડાઈ ગયું. મારા વિના કોઈ નહિ ! – હાં ! મારા વિના કોઈ નહિ ! હું ય ગાંફનો છું ને ! ગાંફની આબરૂના કાંકરા થાય એ ટાણે હું મારો ધરમ ન સંભાળું ? આ બે'નડીનાં આંસુડાં મારાથી શું દીઠાં જાય ? એ બોલી ઊઠ્યો : “બા ! તું રો તો તને મારાં છોકરાંના સોગંદ. હમણાં જોજે, ગાંફની આબરૂને હું જાતી રોકું છું કે નહિ ?”

“અરેરે ભાઈ ! તું શું કરીશ ?”

“શું કરીશ ? બા, બાપુને હું ઓળખું છું. આજ એની કોણ જાણે કેમ ભૂલ થઈ ગઈ હોય ! પણ હું એને ઓળખું છું. હવે તું હરમત રાખજે હો, મા ! શું કરવું તે મને સૂઝી ગયું છે.”

એમ કહીને ચમાર ચાલ્યેા. દરબારગઢની દોઢીએ જઈને દરબારને ખબર મોકલ્યા : “ગાંફથી ખેપિયો આવ્યો