પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯

ચમારને બોલે

છે અને દરબારને કહો, ઝટ મોઢે થાવું છે.”

દરબાર બહાર આવ્યા. તેમણે ચમારને દેખ્યો; મશ્કરીનાં વેણ કાઢ્યાં , “કાં, ભાઈ ! મામેરું લઈને આવ્યા છો કે ?"

“હા, અન્નદાતા ! આવ્યો છું તો મામેરું લઈને જ.”

“એમ ! એાહો ! કેમ, તમને મોકલવા પડ્યા ? ગાંફના રજપૂત ગરાશિયા શું દલ્લીને માથે હલ્લો લઈને ગયેલ છે ?”

“અરે, દાદા ! ગાંફના ધણીને તો પોતાની તમામ વસ્તી પોતાના કુટુંબ જેવી છે. આજ મારા બાપુ પંડે આવતા હતા, પણ ત્યાં એક મરણ થઈ ગયું. કોઈથી નીકળાય તેવું ન રહ્યું, એટલે મને દોડાવ્યો છે.”

“ત્યારે તો મામેરાનાં ગાડાંની હેડ્ય વાંસે હાલી આવતી હશે, કાં ?”

“એમ હોય, બાપા ! ગાંફના ભાણેજનાં મોસાળાં કાંઈ ગાડાંની હેડ્યુંમાં સામે ?”

“ત્યારે ?”

“એ અમારું ખસતા ગામ કુંવરને પે'રામણીમાં દીધું.”

દરબારે મોમાં આંગળી નાખી : એને થયું કે આ માણસની ડાગળી ખસી ગઈ હશે. એણે પૂછ્યું : “કાંઈ કાગળ દીધો છે ?”

“ના દાદા ! કાગળ વળી શું દેવો'તો ! ગાંફના ધણીને એમ ખબર નહિ હોય કે જીવતાજાગતા માનવીથીયે કાગળની કટકીની આંઈ વધુ ગણતરી હશે !”

ચમારનાં તોછડા વેણની અંદર વાંકાનેરના રાજાએ કંઈક સચ્ચાઈ ભરેલી ભાળી. આખા ગઢમાં વાત પ્રસરી ગઈ કે ગાંફનો એક ઢોર ચીરનારો ઢેઢ આવીને ખસતા