પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧

ચમારને બોલે

દરબારનું હૈયું ભરાઈ આવ્યું : “વાહ ! વાહ, મારી વસ્તી ! પરદેશમાંય એને મારી આબરૂ વહાલી થઈ. ગાંફનું બેસણું લાજે એટલા માટે એણે કેટલું જોખમ ખેડ્યું ! વાહ, મારી વસ્તીને મારા ઉપર કેટલો વિશ્વાસ !”

“ભાઈ! ખસતા ગામ તેં તારા બોલ ઉપર દીધું. એ મારે અને મારી સો પેઢીને કબૂલ મંજૂર છે. આજ તારે મરવાનું હોય? તારા વિના તો મારે મરવું પડત!”

ચમારને દરબારે પાઘડી બંધાવી અને ડેલીએ ભાણેજનાં લગ્ન ઊજવવાં શરૂ થયાં. ચમારવાડે પણ મરદો ને એારતો પોરસમાં આવી જઈ વાતો કરવા લાગ્યાં : “વાત શી છે ? આપણા ભાણુભા પરણે એનાં મોસાળાં આપણે ન કરીએ તો કોણ કરે ? ધણી ભૂલ્યો, પણ આપણાથી ભુલાય ?”

વાંકાનેરના અસવારે આવીને ખબર કાઢ્યા. ગાંફના ધણીએ જવાબ મોકલ્યો : “એમાં પૂછવા જેવું શું લાગ્યું ? ગાંફની વસ્તીને તો મેં કોરે કાગળે સહિયું કરી આપી છે.”

વરની માતા હવે દાઝ કાઢીકાઢીને વાંકાનેરના દરબાર ગઢમાં લગ્નગીત ગજવી રહ્યાં છે કે–

તરવાર સરખી ઊજળી રે ઢોલા !
તરવાર ભેટમાં વિરાજે રે વાલીડા વીરને,
એવી રે હોય તો પ્રણજો રે ઢોલા,
નીકર સારેરી પરણાવું રે વાલીડા વીરને.

આજે એ ખસતા ગામ તો છેક ભાલમાં ગાંફ રાજની પડખે જ છે, આજુબાજુ ગાંફની જ સીમ છે, અને વાંકાનેર તો ત્યાંથી પચાસ ગાઉ દૂર હશે. છતાં અત્યારે એ ગામ વાંકાનેરને તાબે છે. આજુબાજુ બીજે ક્યાંય એક તસુ જમીન પણ વાંકાનેરની નથી.