પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯

ઝૂમણાની ચોરી


“કાઢ્ય, ઝૂમણું કાઢ્ય, નીકર કટકા કરી નાખું છું.”

આગોણમાંની ખોદીને વાળંદે કઢીનો પાટિયો કાઢ્યો; અંદરથી ઝૂમણું કાઢ્યું. એ જ ઝૂમણું ! ખૂબ કાળું પડી ગયેલું હતું. ફાળિયામાં વીંટી બગલમાં દાબી, ભૂવો ડાયરામાં આવીને બેઠો. કસૂંબો તૈયાર થયો એટલે નોકરને કહ્યું : “ જા ઓરડે, ઓલ્યું જોડ્યવાળું ઝૂમણું લઈ આવ્ય.”

કાળા ખુમાણનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો. ઝૂમણું ગઢમાંથી આવ્યું, સામે મુકાણું. પછી મોં મલકાવીને ભૂવો આયર બોલ્યો : “આપા કાળા, લ્યો કાઢો એાલ્યું, તમે લઈ ગ્યા'તા ઈ ઝૂમણું.”

કાળા ખુમાણે ઝૂમણું કાઢ્યું. એના હાથ કંપતા હતા. ડાયરાના એકબે ભાઈઓ બોલી ઊઠ્યા : “ કાં આપા, અફીણનો બહુ ઉતાર આવી ગયો છે તે ધ્રૂજો છો ?”

ભૂવો આયર બોલ્યો : “હા, હા, આપાને મોટો ઉતાર આવી ગયો છે ! હમણાં કસૂંબો પાઈએ.”

કાળા ખુમાણની આંખે અંધારાં આવ્યાં. ભૂવો ઝૂમણું ઊંચું કરીને બોલ્યો : “ ડાયરાના ભાઈઓ, અમારા ઘરમાં આવાં બે ઝૂમણાં હતા. તેમાંથી એક આપો કાળા ઉપાડી ગયેલા.”

ચમકીને ડાયરાએ પૂછયું : “હે ! ક્યાંથી ?”

“ગાદલાના બેવડમાંથી. કેમ ખરું ને, આપા ?”

“અને ભાઈઓ, આપો અમારા બાળપણના ભાઈબંધ થાય છે, હો !”

“અરર !” ડાયરામાં ચીસ ઊઠી.

“આપાને ઉઘરાણી લખી એટલે આ હલકી કિંમતનું ઝૂમણું ઘડાવીને લઈ આવ્યા, ને ઓલ્યું હજાર રૂપિયાનું ઝૂમણું ગળત કરી ગયા.”