પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર્:૩

૧૯૪

સેદરડા ગામમાં જઈને રહ્યો. આંહીં આતાભાઈ એ સેના સહિત ગામનો કબજો લીધો. કિલ્લાના કાંગરે ભાવેણાના નાથની ધજાઓ ફડાકા દેવા લાગી. ગોહિલરાજે કિલ્લાને માથે ચડીને દસે દિશાએ નજર નાખી ત્યાં તો લકૂંબઝકૂંબ લીલુડાં આંબાવાડિયાંએ એની આંખેામાં લોભનું આંજણ આંજી દીધું. મોરલાના મલારે અને કોયલોના ટહુકારે એના કાનમાં સ્વાર્થનું હળાહળ રેડી દીધું : “હાય હાય ! નંદનવન જેવી આ સમૃદ્ધિને શું કોળો ભોગવશે ? આવી કામણગાર ધરતીને શું કોળો ધણી ગમતો હશે ? અહાહાહા ! મહુવા વગરનું મારું ભાવેણું લૂખું લૂખું !”

“અને બાપુ !” હીરાજી કામદાર બોલી ઊઠ્યા : “ભાવેણાના નાથની ધજા ચડી તે શું હવે ઊતરશે ? અપશુકન કહેવાય.”

“ત્યારે શું કરશું, કામદાર ?”

“મહુવા નથી છોડવું, બીજું શું ?”

“પણ દગો કહેવાશે.”

“દગો શેનો ? આપણી જીત થઈ છે ને !”

“પણ ચાર પંચાતિયાનું શું કરશું ?”

“એ હું કરીશ. એ ચાર જણા પણ માનવી જ છે ને!”

દસ દિવસને સાટે તો બે મહિના વીતી ગયા, પણ મહારાજ મહુવામાંથી સળવળતા નથી. જસાએ પંચને કહેવરાવ્યું. પચ માંહેલા શંકરગરજીએ જઈને મહારાજને કહ્યું : “દરબાર, ગામ ખાલી કરો. જુઓ, હું અતીત છું; મારો ભગવો ભેખ જોયો ? મારા તમામ ચેલાને લઈને હુ તમારા ઉંબરે લોહી છાંટીશ. બાવાની હત્યા લેવી છે ? નીકર બહાર નીકળો.”

મહારાજાએ આ બાવાજીને ગોપનાથનાં પાંચ ગામ લખી