પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫

અભો સોરઠિયો

આપ્યાં; બાવાનું મોં ભરાઈ ગયું, એનો ભગવો ભેખ વેચાઈ ગયો ! એણે તો જઈને જસા ખસિયાને કહ્યું : “મહારાજ નથી નીકળતા. અમે શું કરીએ, ભાઈ? અમારી પાસે કાંઈ ફોજ નથી તે લડીએ. તમે કહો, તો લોહી છાંટીએ.”

“ના, બાપ !” જસો બેાલ્યો : “ સાધુની હત્યા મારે નથી લેવી. તમે તમારે ગેાપનાથને કાંઠે બેસીને લીલાલહેર કરો.”

બીજો વારો આવ્યો દયાશંકર ગોરનો. એ બ્રાહ્મણનું બ્રહ્મતેજ પલક વાર તો બાળી નાખે તેવી વરાળ કાઢવા લાગ્યું. પણ મહારાજાએ એને વીજપડી નામનું ગામ માંડી આપ્યું, એટલે અગ્નિની ઝાળ શમી ગઈ. બ્રહ્મતેજ વેરાઈ ગયાં. જસાને એણે કહ્યું : “આતોભાઈ મારું નથી માનતો; અમે શું કરીએ, ભાઈ?”

જસો બોલ્યો : “ગોર દેવતા ! તમેય છૂટા.”

એક ચારણ પણ જામીન થયો હતેા. એણેય કટાર કાઢીને પેટ નાખવાનો ડર દેખાડ્યો : એને મહોદરીનાં ત્રણ ગામ આપીને ચૂપ કર્યો.

૨.

જસાએ અભા કામદારને પૂછયું : “અભા ! શું કરવું ?”

“બાપદાદાનો આખરી ધરમ : બહારવટું. બીજુ શું ?”

“પણ પહોંચાશે ? જો તો ખરો – એની તોપો મહુવાના ગઢની રાંગ ઉપર બેઠી બેઠી મોં ફાડી રહી છે.”

“પહોંચવાની વાત નથી; મરદની રીતે મરવાની વાત છે."

“મરું તો વાંસે મારાં બાયડી-છોકરાં ?”

“મારા માથા સાટે. તારું અન્ન હજી મારા દાંતમાં છે. લૂણહરામી નહિ થાઉં. હું સોરઠિયાણીને પેટ ધાવ્યો છું.”