પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૩

૧૯૬


બસો ઘોડેસવારો લઈને જસો ખસિયો મહુવાને માથે બહારવટું ખેડવા મંડ્યો અને કાયામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી એણે આતાભાઈને મહુવાના દરબારગઢમાં સુખની નીંદર કરવા ન દીધી. આખરે, એનો દેહ પડ્યો, માણસો વીંખાઈ ગયાં. ફક્ત ત્રણ જ જણાં બાકી રહ્યાં : જસાની રાણી, નાનો એક છોકરો અને અભો કામદાર. પોતાના અન્નદાતાની ઓરતને અને દીકરાને એક ઠેકાણેથી બીજે ઠેકાણે સંતાડતો સંતાડતો અભો વાણિયો રઝળ્યા કરે છે. પોતાની પાસે જે મૂડી હતી તે ખરચી ખરચીને પોતાના બાળારાજાને નભાવી રહ્યો છે અને મહારાજા આતાભાઈની સાથે વિષ્ટિ ચલાવે છે કે, “હવે જસો ખસિયો તો મરી ગયો. હવે આ બાળકને ઠરીને બેસવાનું ઠેકાણું કાઢી આપો. બીજુ કાંઈ નહિ તો લીલિયા પરગણું આપો. શુરવીરાઈના હક્ક દગાથી ડુબાવો મા. ભાવનગરના ધણીને લીલિયું ભારે નહિ પડે.”

પણ મહારાજ ન માન્યા. બરાબર પાંચ વરસ વીતી ગયાં. અભાને ગઢપણે ઘેરી લીધો, એની ડોકી ડગમગવા લાગી. માથું, મૂછો અને આંખનાં નેણ-પાંપણ પણ રૂની પૂણીઓ જેવાં ધેાળાં બની ગયાં. એક વાર સાંજરે એ વૃદ્ધ કામદાર પોતાના સાત વરસના ધણીને ખેાળામાં લઈને બેઠો હતો, ધણીનાં લૂગડાં ઉપરથી ધૂળ ખંખેરતો હતો અને માયાભર્યા સ્વરથી પૂછતો હતો : “કાં બાપા, રમી આવ્યા ? વાહ, મારો બાપો ! ભારે બહાદર ! લેાંઠકાઈ તો બાપુના જેવી જ, હો !”

નાનો કુંવર ગર્વ પામીને એની કાલી કાલી વાણીમાં પડકારા દેતો : “કામદાર, આજ મેં ઓલ્યા છોકરાને હરાવી કાઢ્યો. ઓલ્યો મારાથી મોટો; એનેય મેં પાડી દીધો. ”

“અરે રંગ રે રંગ, બાપલિયા !”