પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭

અભો સોરઠિયો


બરાબર સાંજ નમેલી. સૂરજ મહારાજ મેર બેસતા હતા. રાજા અને કામદાર સંસારથી આઘેરા જઈને જાણે સાચો આનંદ લૂટતા હતા. જાણે આખા જગતનું એકચક્રી રાજ મળ્યું હોય તેવા તોરથી રાજા-કારભારીની રમત રમાતી હતી. તે વખતે બાળકની વિધવા માતાએ ઓરડામાંથી વજ્ર-બાણ છોડ્યાં :

“બાપ કામદાર, શીદને આમ ફોસલાવવાં પડે છે ? હવે અમારી મરેલાંની મશ્કરી કાં કરો છો, ભા ? છોકરાને કંઈક દા'ડીદપાડી કરતાં શીખવા દ્યો ને ! હવે અમને ક્યાં સુધી આમ ધૂળ મેળવવાં છે ? ક્યાં સુધી આશા દીધા કરશો ? કોણ જાણે માણસનાં પેટ કેવાં મેલાં થાય છે ! બધાય બદલી ગયા. અરે ભગવાન !”

ટપક ! ટપક ! અભાની વૃદ્ધ આંખેામાંથી ઊનાં-ઊનાં આંસુનાં ટીપાં ટપકીને પોતાના ખોળામાં બેઠેલા કુંવરના માથા પર પડવા લાગ્યાં. સાચો રાજ્યાભિષેક થઈ ગયો. રાજમાતાએ જેટલાં વેણ કહ્યાં તેટલાં એણે મૂંગે મોઢે સાંભળી લીધાં; સામો ઉત્તર ન વાળ્યો. રાત પડી ગઈ. આકાશનાં ચાંદરડાં ઘડીક ઝગતાં ને ઘડીક વળી એાલવાતાં આંખમીંચામણીની રમત રમતાં હતાં. પોતાનો નાનો ધણી પોતાના ખોળામાં જ પોઢી ગયેા હતેા. એવી મોડી રાતે એક ફાટેલી પથારીમાં બાળકને સુવાડીને પછી અભો ઘેર ગયો.

સવાર પડ્યું. કામદાર આવ્યા નહિ. ખબર કઢાવી. કામદાર રાતના ઊઠીને અલોપ થયા હતા. ક્યાં ગયા તે કોઈ ન કળી શકયું.

બરાબર બપોર તપતા હતા. ભાવનગરના રાજમહેલમાં છેલ્લી અટારીએ ઠાકોર આતાભાઈ બેઠા હતા. ગાદી માથે