પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર: ૩

૨૦૦

કાળને જોયો. ખીંટીએથી તલવાર ખેંચવા ભુજા લંબાવી, પણ વખત ન રહ્યો. બીજે પલકારે તો અભો ઠેકીને એના ઢોલિયા ઉપર જઈ પહોંચ્યો ને એની તલવાર ખીંટી પરથી ખેંચી.

“એ અભા, તારી ગા ! મહુવાનો હિસાબ ચુકાવું !”

“હવે તો હિસાબ કરશું ત્યાં, ધણીના દરબારમાં જસા પાસે.”

એટલું બોલી અભાએ ખડગ ઉગામ્યું. મહેતાની ફાંદ ઉપર ઝાટકો દીધો. હીરજી મહેતાનું શરીર ઢળી પડ્યું. પેટમાંથી કેળાં-રોટલી બહાર નીકળી પડ્યાં. એ ઉપર અઢાર ઘા ઝીંકીને અભો ઊભો થયેા; આકાશમાં જોઈને બોલ્યો: “હીરજી મહેતા ! હું યે હમણાં આવું છું. મૂંઝાઈશ મા. મારો ધણી મારી વાટ જોતા હશે. હીરજી મહેતા, આવું છું !”

“માટી થાજે, હિંગતોળ, માટી થાજે !” એવો અવાજ આવ્યો. અભાએ પાછળ જોયું, ત્યાં કલિયા હજૂરીને તલવાર લઈને આવતા જોયો. અભાએ દોટ કાઢીને કલિયાનેય ઢાળ્યો, એના કાન અને ખભા કાપી નાખ્યા, આખી મેડીમાં હોકારા-પડકારા બોલ્યા. હેઠળ “એલી ! એલી ! એલી !” અવાજ સંભળાણો, આરબની બેરખ આવી પહોંચી. અભાએ વિચાર્યું કે, “હમણાં મને બંદૂકે દેશે, મને ભૂંડે મોતે મારશે.”

અભાએ ચારે બાજુ જોયું. એક બ્રાહ્મણને ભાળ્યો. અભો દોડીને એની આગળ ગયો, કહ્યું :

“એ મા'રાજ, આ લે તલવાર, આરબને હાથે મરવા કરતાં બ્રાહ્મણને હાથે મરવું ભલું, ઉડાવી દે મારું ડોકું.”

“ બા...પા ! હું... હું ! તમારી...હ... ત્યા !”

“ જલદી તલવાર ઝીંક, મા'રાજ! નીકર તનેય હમણાં હીરજી મહેતાની પાસે પોગાડું છું. લે, ઝટ કર્ય.”