પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૨૦૨


અભલે તાતી ખાગ આછટી,
થ૨હર ભાવનગર થિયો,
હેડી આતા તણી હીરજી,
કટકા મેડી માંય કિયો.

અભાએ તાતી તલવાર ઝીંકી. ભાવનગર થથરી ઊઠ્યું, ને ઠાકોર આતાભાઈના જોડીદાર હીરજી મહેતાના મેડી ઉપર કટકા કર્યા.

ધજવડ ભાંગી તોય ધડુશિયો,
કલિયા તણો ખભો ને કાન,
એ સમયે વિપ્ર એક આવિયો,
દીધું શીશ વિપ્રને દાન.

પછી તલવાર ભાંગી ગઈ તોપણ કલિયાના ખભા ને કાન કાપ્યાં. એ વખતે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો, તેને અભાએ પોતાનું મસ્તક દાનમાં દીધું.

ઈડો લાખો, પેથો, અમરો,
રાધા જેવડા મૂવા રધુ,
આઠગણી ખત્રવટ એનાથી,
વણિક તણો કાંઈ ખેલ વધુ.

પૂર્વે ઈડા વગેરે જે જબરા નરો મૂઆ છે, તેમનાથી પણ આ વણિકની ક્ષત્રવટ તો આઠગણી વધી ગઈ.

મરેલા અભાને મેડીએથી નીચે ફગાવ્યો. ઠાકોર આતાભાઈની આજ્ઞા થઈઃ “એને કૂતરાની માફક ઘસડતા મસાણે લઈ જાવ.”

આવી દશામાં અભાની લાશ નીકળી. સહુ જોઈ રહ્યા. હજારોમાંથી ફક્ત એક જણથી આ હાલ જોઈ ન શકાણા.