પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૩

૨૦૮

એક ઘરડા રબારીએ તેમને ટપાર્યા, પણ ત્યાં તો તેમણે પોતાનું પોત પ્રકાશ્યું. વૃદ્ધ રબારીને તરવાર મારી ધૂળ ચાટતો કર્યો.

ભૂવો બહારગામ ગયેલા અને પુરુષવર્ગ સીમમાં ગયેલો. ઘેર હતાં માત્ર બૈરાં-છોકરાં. તેમણે રોકકળ અને બૂમાબૂમ કરવા માંડી. પાસેને રસ્તે ચાલ્યા જતા જેતમાલે એ બૂમો સાંભળી. દોડીને તે ભૂવાકેડામાં આવ્યા. જુએ છે તો માતાના પવિત્ર મઢમાં સંધીઓ ઘૂસેલા ને એક રબારી બહાર ઘાયલ પડેલો.

મામલો જોતાં જ જેતાની આંખ ફાટી. કાળી નાગણના જેવી તલવાર તાણી તે સંધીઓ ઉપર તૂટી પડ્યો. “લેજે મમાઈ !” કહેતો જાય ને એક ઘા ને બે કટકા કરતો જાય. જેને જેતાનો એક ઝાટકો લાગે તે સંધી ફરી શિખામણ ન માગે. એ ધીંગાણામાં એણે બાર જણાને લાંબા તાર કર્યા, પણ છેલ્લા ત્રણ સંધીઓ મરણિયા થઈ જેતા ઉપર ધસ્યા ને આ ઠેકાણે એ મરદ મેરનું માથું નોખું કરી એ લોકો નાઠા. ભાઈ ! એ જોરાવર જેતાની આ અમારે ખાંભી છે. માતાનો મઢ સાચવવા એ ભડે પ્રાણ આપેલા છે. એથી જ અમે એને માથે માતાજીની પવિત્ર પીંછી અડાડીને એને આશીર્વાદ આપીએ છીએ.

મઢ મેલી માતા તણો, જો તું જેતા જાત,
તે સ્ત્રવખંડ ચે'રો થાત, સૂરજ ઊગત નૈ.